
ગાંધીનગરની ચિલોડા પોલીસે નેશનલ હાઈવે 48 પર ચંદ્રાલા નાકા પોઈન્ટ પાસે સઘન વાહન ચેકિંગ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રાજસ્થાન પાસિંગની એક સફેદ બોલેરો ગાડીમાંથી આશરે 1.41 લાખની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો સહિત કુલ રૂ.4.20 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર ચિલોડા પોલીસ સ્ટેશનના નવ નિયુક્ત પીઆઈ એસ. જે. ચૌહાણની ટીમ ચંદ્રાલા ગામની સીમ આગમન હોટલની સામે નેશનલ હાઇવે પરના નાકા પોઈન્ટ ઉપર હિંમતનગર તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ કરી રહી હતી. આ દરમ્યાન બાતમી મળી હતી કે, હિંમતનગરથી ચિલોડા તરફ આવતા નેશનલ હાઈવે 48 પર એક સફેદ કલરની બોલેરોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ નાકા પોઇન્ટ ઉપર એલર્ટ મોડમાં આવીને બેરીકેડિંગ કરી વોચ ગોઠવી હતી.
આ દરમ્યાન થોડીવારમાં બાતમીવાળી બોલેરો આવતા પોલીસે તેને રોડની સાઈડમાં ઊભી રખાવી હતી અને ગાડીમાં ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા શખ્સને નીચે ઉતારીને તેનું નામ-સરનામું પૂછતા તેણે પોતાનું નામ રમેશ મનજીભાઈ દરંગા (ઉ.વ. 21, રહે. દરગારૂફલા, રોબીયાગામ, તા. બેરવાડા, જિ. ઉદયપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે ગાડીની તપાસ કરતા પાછળની સીટ નીચે છુપાવેલા પ્લાસ્ટિકના કોથળામાં અને સીટ નીચેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, ક્વાર્ટરીયા અને બિયરના ટીન મળી આવ્યા હતા. જેની ગણતરી કરતા કુલ રૂ.1.41 લાખનો દારૂ બિયરનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. આ દારૂના જથ્થા અંગે રમેશ દરંગાની પૂછપરછ કરતા તેણે કબુલાત કરેલી કે ,દારૂનો જથ્થો તેને શાંતિલાલ ડામોર (રહે. મુખલાલ ગામ, જિ. ઉદયપુર, રાજસ્થાન, )એ ભરી આપ્યો હતો અને તે અમદાવાદના નાના ચિલોડા ખાતે કોઈ શખ્સને પહોંચાડવાનો હતો. આ અંગે પોલીસે શાંતિલાલ ડામોરને વોન્ટેડ જાહેર કરી આરોપી રમેશ દરંગા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.