ઝઘડાની અદાવતમાં હિંસક હુમલો, યુવક પર ધોકા-ચપ્પાથી તૂટી પડ્યા, ત્રણ શખસો સામે ગુનો દાખલ

Spread the love

ગાંધીનગરના પેથાપુરમાં દશેરાની રાત્રે ફાફડા-જલેબીની લાઈનમાં થયેલી સામાન્ય બોલાચાલીની અદાવતમાં વહેલી સવારે ગાઢ નિંદ્રામાં જ એક યુવક પર લાકડાના ધોકા અને ચપ્પા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પેથાપુર પોલીસે ગામના ત્રણ શખસો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરના રાંધેજા રહેતા વૈરાગસિંહ જયંતસિંહ ગોહિલનો ભાણો વનરાજસિંહ ઉર્ફે યુવરાજસિંહ કરણસિંહ સોલંકી (છૂટક મજૂરી, રહે. પેથાપુર) દશેરાની રાત્રે આશરે 10 વાગ્યે પેથાપુર બસ સ્ટેન્ડ પાસે ફાફડા-જલેબીની દુકાને લાઈનમાં ઊભો હતો. તે સમયે ગામના ગોપાલસિંહ નવુસિંહ બિહોલાએ ધક્કો મારતા વનરાજસિંહે તેને ના પાડતા બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં વનરાજસિંહ નીચે પડી જવાથી તેને ઇજા થઈ હતી. બાદમાં આસપાસના લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. જોકે ગોપાલસિંહ વનરાજસિંહને ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો. અને વનરાજસિંહ ઘરે જઈને ઘર આગળ સૂઈ ગયો હતો.
વહેલી સવારે આશરે સાડા સાત વાગ્યે ગોપાલસિંહ નવુસિંહ બિહોલા, વિજયસિંહ બિહોલા અને શંકરસિંહ બિહોલા (તમામ રહે. પેથાપુર) ત્યાં ગયા હતા અને ગોપાલસિંહે રાતની બોલાચાલી બાબતે ગાળો બોલી વનરાજસિંહને માર મારવાનું શરૂ કર્યું હતું. ગોપાલસિંહ અને વિજયસિંહના હાથમાં લાકડાના ધોકા હતા. જ્યારે શંકરસિંહના હાથમાં ચપ્પુ હતું. ગોપાલસિંહ અને વિજયસિંહે ધોકા વડે વનરાજસિંહના બંને પગે અને હાથના ભાગે માર માર્યો હતો. શંકરસિંહે ચપ્પુ ફેરવતા વનરાજસિંહને કાન, કપાળ અને બીજા ભાગે ઘસરકા પણ વાગ્યા હતા. બાદમાં ત્રણેય જણાએ ગાળો બોલી, ગડદાપાટું અને લાકડાના ધોકાથી ઢોરમાર મારી જતા-જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં વનરાજસિંહને માથાના ભાગે અને બંને પગે ઇજા થતાં લોહી નીકળ્યું હતું. અને આજુબાજુના માણસો ભેગા થતાં તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ હુમલામાં વનરાજસિંહને મોઢાના ભાગે ઇજા થવાથી તે બરાબર બોલી શકતો નથી. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *