
લાંબા સમયથી ચાલતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળોનો અંત આવ્યો છે. આજે 4 ઓક્ટોબરને શનિવારે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલના નામની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે અને તેમણે કમલમ ખાતે ચાર્જ પણ સંભાળી લીધો છે. આમ, જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બન્યા છે. તેમણે ગઈકાલે વિજયમુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું. પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય એકપણ ફોર્મ ભરાયું ન હોવાથી તેઓ બિનહરીફ થયા છે.
જગદીશ પંચાલ અમદાવાદના ઠક્કરબાપાનગર ખાતે આવેલી વિક્રમપાર્ક સોસાયટી ખાતેના તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે નીકળી ગાંધીનગર કમલમ પહોંચ્યા હતા. આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે.લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં નેતાઓ-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જગદીશ પંચાલ 3 ઓક્ટોબરે ભાજપના પ્રદેશ પ્રમુખ બનવા માટે ફોર્મ ભરી બિનહરીફ થઈ ગયા હતા. ત્યાર બાદ સાંજે ગાંધીનગરમાં પોતાના મંત્રી બંગલામાં ગયા હતા, જ્યાં અન્ય મંત્રીઓએ તેમના ઘરે આવી શુભેચ્છાઓ પાઠવી હતી. બધાની શુભેચ્છાઓ સ્વીકારીને પંચાલે સૌકોઈનો આભાર માન્યો હતો તેમજ બધા સાથે વાતચીત કરી હતી એમાં ઘણો લાંબો સમય નીકળી ગયો હતો. બીજી બાજુ તેમના ઘરે પણ સમર્થકોનો જમાવડો ભેગો થઈ ગયો હતો. જ્યારે જગદીશ પંચાલ રાત્રે 11 વાગ્યાની આસપાસ પોતાના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે તેઓ ઘરમાં પ્રવેશ કરે એ પહેલા જ તેમનાં ધર્મપત્નીએ પાણીના લોટાથી તેમની નજર ઉતારી હતી. ધાર્મિક પૂજા કરાવીને તેમને ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો.
ગુજરાત રાજ્યના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સત્તાવાર રીતે જગદીશ પંચાલને જાહેર કર્યા હતા. આ સાથે 39 રાષ્ટ્રીય પરિષદનાં ફોર્મ ભરાયાં હતાં, જે તમામ પણ બિનહરીફ જાહેર થયા હતા. રાષ્ટ્રીય પરિષદમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓનો સમાવેશ કરાયો હતો.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થતાં જ મુખ્યમંત્રીએ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને શ્રીફળનો પડો અને સી.આર.પાટીલે ભાજપનો ઝંડો આપ્યો હતો, સાથે જ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને ફૂલનો હાર પહેરાવી સ્વાગત કરાયું હતું. બાદમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને CM અને પાટીલે મોઢું મીઠું કરાવ્યું હતું.