
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રિંગ રોડ પાસેથી યુવકને 100 રૂપિયાની નકલી નોટો સાથે ઝડપી પાડ્યો છે. યુવક પાસેથી 100 રૂપિયાની 373 નકલી નોટો મળી આવી હતી.યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી નોઇડાથી કુરિયરમાં નકલી નોટો મંગાવી હોવાનું સામે આવ્યું છે.ક્રાઈમ બ્રાન્ચે યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, નાના ચિલોડા રીંગરોડથી સાબરમતી નદીના કોતર પાસે જતા પંપિંગ સ્ટેશન પાસે એક યુવક પાસે 100 રૂપિયાની નકલી નોટો છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે ઘટનાસ્થળે પહોંચીને યુવકની તપાસ કરી હતી. તપાસ દરમિયાન યુવક પાસેથી સેલોટેપ વીંટાળેલું પાર્સલ મળી આવ્યું હતું, જેમાં 100 રૂપિયાની 373 નોટો મળી આવી હતી. તપાસ દરમિયાન આ તમામ નોટો નકલી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસની પૂછપરછ દરમિયાન યુવકનું નામ બાબુ શર્મા(19 વર્ષ) હોવાનું જાણવા મળ્યું હતું. યુવકની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, યુવકે ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપના માધ્યમથી નોઈડાથી નમન નામના વ્યક્તિને નકલી નોટોનો ઓર્ડર આપ્યો હતો.જે બાદ કુરિયરમાં નકલી નોટો નોઇડાથી અમદાવાદ આવી હતી.યુવકે આ નકલી નોટ કયા કામ માટે મંગાવી હતી, તે બાબતે તપાસ શરૂ કરી છે. હાલ યુવકની ધરપકડ કરીને નકલી નોટો કબજે કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જયેશ મકવાણાએ જણાવ્યું હતું કે, આરોપીને નોઇડાથી કુલ 50 હજારની નકલી નોટ મંગાવી હતી જેની સામે 9 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. આરોપીને 12,600 રૂપિયાની નકલી નોટો ભીડભાડવાળી જગ્યાએ જઈને વાપરી કાઢી છે, જ્યારે અન્ય નોટો પણ વાપરવારનો હતો તે અગાઉ જ આરોપીની ધરપકડ કરી છે.