
મંગળવારે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાશ્મીર પર ખોટો પ્રચાર ફેલાવવા બદલ પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી. ખુલ્લી ચર્ચા દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત, પર્વતનેની હરીશે કહ્યું, “પાકિસ્તાન એક એવો દેશ છે, જે પોતાના જ લોકો પર બોમ્બમારો કરે છે અને નરસંહાર કરે છે.” ભારતીય રાજદૂત પર્વતનેની હરીશે કહ્યું, “જે કોઈ પોતાના લોકો પર બોમ્બમારો કરે છે અને 4 લાખ મહિલા પર બળાત્કાર જેવા અમાનવીય ગુનાઓ કરે છે તેને બીજાને શિખામણ આપવાનો કોઈ અધિકાર નથી. પાકિસ્તાન દુનિયાનું ધ્યાન ભટકાવવા અને ગેરમાર્ગે દોરવા માટે જૂઠાણાં ફેલાવે છે.”
ભારતીય રાજદૂત પર્વતનેની હરીશે આ નિવેદન એક પાકિસ્તાની અધિકારીના આરોપ બાદ આપ્યું હતું કે કાશ્મીરી મહિલાઓ દાયકાઓથી જાતીય હિંસાનો સામનો કરી રહી છે. ભારતે ફરી કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશાં રહેશે. ભારતીય રાજદૂત પર્વતનેની હરીશે કહ્યું, “પાકિસ્તાન એ જ દેશ છે, જેણે 1971માં ઓપરેશન સર્ચલાઇટ શરૂ કર્યું હતું અને તેની સેનાને 4 લાખ મહિલા નાગરિકોના નરસંહાર અને સામૂહિક બળાત્કારનું વ્યવસ્થિત અભિયાનને મંજૂરી આપી હતી. દુનિયા પાકિસ્તાનના આ ખોટા પ્રચારને સારી રીતે જાણે છે.” પાકિસ્તાની સેનાએ 1970માં ઓપરેશન સર્ચલાઇટ હેઠળ પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)માં ક્રૂર કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં 30 લાખ લોકો માર્યા ગયા હતા અને મહિલા નાગરિકો પર બળાત્કાર ગુજાર્યો હતો.
22 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાની સેનાએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના તિરાહ ઘાટીમાં ચેતવણી વિના બોમ્બમારો કર્યો. આ હુમલામાં ત્રીસ પાકિસ્તાની માર્યા ગયા હતા.સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાન વાયુસેના આ હુમલાઓ દ્વારા આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે આ હુમલાઓમાં આતંકવાદીઓને બદલે મોટાભાગના નાગરિકોનાં મોત થયાં હતાં.
ગયા અઠવાડિયે ભારતે પણ પાકિસ્તાનને ઠપકો આપ્યો હતો. જીનિવામાં માનવ અધિકાર પરિષદની બેઠકમાં ભારતીય અધિકારી કે.એસ. મોહમ્મદ હુસૈને કહ્યું હતું કે પાકિસ્તાનનો માનવ અધિકારોનો રેકોર્ડ વિશ્વમાં સૌથી ખરાબ છે. તેમણે કહ્યું, “જે દેશ પોતાના ધાર્મિક અને વંશીય લઘુમતીઓ પર અત્યાચાર કરે છે તે બીજાને માનવ અધિકારો પર ભાષણ આપે નહીં. પાકિસ્તાનનો સાચો ચહેરો હવે દુનિયા સમક્ષ ઉઘાડો પડી ગયો છે.”
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે પણ ભારતને ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે “જો આ વખતે યુદ્ધ થશે તો ભારત તેનાં ફાઇટર જેટના કાટમાળ નીચે દટાઈ જશે.” શનિવારે રાત્રે પાકિસ્તાની સેનાએ કહ્યું હતું કે જો હવે બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે તો તે વિનાશક બનશે. જો દુશ્મનાવટનો નવો તબક્કો શરૂ થશે તો પાકિસ્તાન પાછળ હટશે નહીં. અમે ખચકાટ વિના જવાબ આપીશું.
પાકિસ્તાની સેનાની મીડિયા શાખા, ISPR એ એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું હતું કે ભારતીય રક્ષામંત્રી અને સેનાના અધિકારીઓનાં બેજવાબદાર નિવેદનોથી યુદ્ધને ઉશ્કેરવાનો પ્રયાસ છે. ભારતીય સેનાપ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી પર વધુ નિશાન સાધતાં પાકિસ્તાની સેનાએ કહ્યું, ” જ્યાં સુધી પાકિસ્તાનને નકશા પરથી ભૂંસી નાખવાની વાત છે તો ભારતે પણ જાણવું જોઈએ કે જો આવી પરિસ્થિતિ ઊભી થશે તો બંને દેશો ખતમ થશે.” ખરેખરમાં શુક્રવારે ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે “પાકિસ્તાને વિચારવું પડશે કે તે નકશામાં રહેવા માગે છે કે નહીં. જો તે પોતાનું સ્થાન બનાવવા માગે છે, તો તેણે આતંકવાદને રક્ષણ આપવાનું બંધ કરવું પડશે.”