દ.ગુજરાતમાં 48 કલાક ભારે વરસાદની આગાહી

Spread the love

ગુજરાતના હવામાન વિભાગે 7થી 13 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરી છે, જેમાં આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ચોટીલા, ઉના, મહુવા અને તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે અને ખેડૂતોમાં ઊભા પાકને લઈને નુકસાનનો ભય ઊભો થયો છે ત્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી 3-4 દિવસ વરસાદ ચાલુ રહેવાની સંભાવના દર્શાવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું કે, શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ ચાલુ રહેશે.7-8 ઓક્ટોબર માટે દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, તાપી, ડાંગ અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરી છે. વલસાડમાં આજે સવારે 2થી 6 વાગ્યા દરમિયાન 1 ઈંચથી વધુ અને વાપીમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો. તાપી જિલ્લાના વ્યારા, બાજીપુરા, વાલોડ, ડોલવણ અને નેશનલ હાઈવે-56 પર ધીમીધારે વરસાદ નોંધાયો, જેનાથી વ્યારાના મિશન નાકા નજીક સરિતા નગર રોડ પર પાણી ભરાયું. હાલ દરિયાકાંઠે DC-1 સિગ્નલ લાગુ છે અને ચોમાસું 3-4 દિવસમાં રાજ્યના અન્ય જિલ્લામાંથી વિદાય લઈ શકે છે તો બીજી તરફ અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી છે.
આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ડાંગર અને અન્ય ઊભા પાકને નુકસાનની ભીતિએ ખેડૂતોમાં નિરાશા ફેલાઈ છે. ચોટીલા, ઉના અને મહુવામાં ભારે વરસાદે ખેતરોમાં પાણી ભરાયું, જેનાથી પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર અસર પડી શકે છે. હવામાન વિભાગે ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ કરી છે. ચોટીલામાં 6 ઓક્ટોબરે મોડી રાત્રે ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો અને હાઈ-વે પર પાણી ભરાયું. આ પહેલાં 6 દિવસ સતત વરસાદ પડ્યો હતો અને એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો. ઉનામાં 10 મિનિટથી સતત ધીમી ધારે વરસાદ નોંધાયો, જ્યારે મહુવામાં શરદ પૂર્ણિમાએ જોરદાર વરસાદે શહેરના તમામ વિસ્તારોમાં પાણી ફેલાવ્યું. શહેરમાં અડધોથી એક ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર નોંધાઈ. આ વરસાદે ઊંધિયાની ઘરાકીમાં ફરક પાડ્યો અને દરિયાકાંઠે ફરવાના લોકોના આયોજનો બગડ્યા. નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ રેનકોટ પહેરીને જોવા મળ્યા, જ્યારે દિવાળીની સફાઈ કરતા પરિવારો તડકાની આશાએ રાહ જોઈ રહ્યા છે. વાતાવરણમાં પલટાથી લોકોના રોજિંદા જીવન પર પણ અસર પડી. આગામી દિવસોમાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં સતર્ક રહેવાની સૂચના આપી છે.
.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *