બે કંપનીનાં સિરપ ગુજરાતમાંથી પરત ખેંચવા આદેશ

Spread the love

 

મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાને કારણે 16 બાળકનાં મોત થયાં બાદ ખળભળાટ મચ્યો છે. મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં ગુજરાતમાં બનેલી રી-લાઈફ અને રેસ્પિફ્રેશ ટીઆર નામનાં કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઇકોલનું પ્રમાણ નક્કી મર્યાદા કરતાં વધુ મળ્યું છે. ગુજરાત સરકાર દ્વારા આ બંને સિરપનો જથ્થો બજારમાંથી પરત ખેંચી લેવા આદેશ કર્યો છે. આ બંને સિરપની છેલ્લામાં છેલ્લી બોટલ પરત ન ખેંચાય ત્યાં સુધી સમગ્ર પ્રોસેસ પર ધ્યાન રાખવા FDCAના અધિકારીઓને આદેશ કરાયો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે આ સિવાયની જે કંપનીઓ કફ સિરપ બનાવે છે એની પણ ગુજરાત સરકાર દ્વારા તપાસ કરી પ્રમાણિત કરાશે.મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાને કારણે 16 બાળકનાં મોત બાદ હોબાળો મચ્યો છે. એની વચ્ચે ગુજરાતની MFG-M/s Shape pharma Pvt. Ltd.માં બનેલા રી-લાઈફ અને MFG- M/s Rednonex Pharmaceuticals Pvt. Ltd.માં બનેલા રેસ્પિફ્રેસ ટીઆર નામના કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ વધુ મળ્યું છે. મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ બંને સિરપ પર રોક લગાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં હાલ 624 ઓરલ લિક્વિડ (કફ સિરપ સહિત) દવાઓ બનાવતી પેઢીઓ કાર્યરત છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા મુજબ, રાજ્યના તમામ મદદનીશ કમિશનરોને તાત્કાલિક તેમના વિસ્તારમાં આવેલી દવા પેઢીઓની વિગતવાર તપાસ હાથ ધરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. તપાસમાં ખાસ કરીને પાણીની ગુણવત્તા, કાચામાલના સ્ત્રોત, ઉત્પાદન પ્રક્રિયા, ક્વોલિટી કન્ટ્રોલ સિસ્ટમ, અને સેમ્પલિંગ પ્રક્રિયાની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવશે. દરેક પેઢીમાંથી ઓરલ લિક્વિડ દવાઓના ઓછામાં ઓછા પાંચ નમૂનાઓ લઈ વડોદરા લેબોરેટરીમાં સત્વરે તપાસ મોકલાશે.
સુરેન્દ્રનગરની મે. શેપ ફાર્મા પ્રા. લિ. અને અમદાવાદની મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ. સામે પહેલેથી જ દવાનું ઉત્પાદન તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તપાસ દરમિયાન બંને પેઢીઓને ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ’ દવાઓનો જથ્થો બજારમાંથી તાત્કાલિક રીકોલ કરવાનો પણ કડક હુકમ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દવાઓની ટ્રેસેબિલિટી સિસ્ટમ મજબૂત કરવા પણ તૈયારીમાં છે, જેથી ફેક્ટરીથી લઈને રિટેલર સુધીની સપ્લાય ચેઇનમાં એક પણ અસુરક્ષિત બેચ માર્કેટમાં ન રહે. રીકોલની પ્રક્રિયા FDCAના અધિકારીઓની સતત દેખરેખ હેઠળ રહેશે.આ તપાસ ઝુંબેશ માત્ર બે કંપની સુધી મર્યાદિત નથી, પરંતુ રાજ્યની સમગ્ર ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે એક ચેતવણીરૂપ બની છે. હવે ગુણવત્તા ધોરણોમાં થોડી પણ ખામી સહન નહીં કરવામાં આવે તેવો સ્પષ્ટ સંદેશ ઉદ્યોગને અપાયો છે.
26થી 28 સપ્ટેમ્બર દરમિયાન છિંદવાડા જિલ્લામાં ડ્રગ વિભાગની ટીમ દ્વારા મેડિકલ અને હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી. આ સમયે કુલ 19 દવાનાં સેમ્પલ એકત્ર કરવામાં આવ્યાં હતાં અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં, જેમાં ગાઈડલાઈન અનુસાર, કફ સિરપમાં મહત્તમ 0.1 ટકા ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ હોવું જોઈએ, પરંતુ તપાસમાં 4 કફ સિરપ નક્કી માપદંડમાં ફેલ થયાં હતાં. આ સિરપથી કિડની ફેલ અને બ્રેઇન હેમરેજ જેવી સ્થિતિ પેદા થવાનું જોખમ રહે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપ પીધા બાદ બાળકોના મોત મામલે તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. અમદાવાદ ગ્રામ્યના બાવળા સ્થિત રેડનેક્સ ફાર્મા કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 12 બાળકોના કફ સિરપ પીધા બાદ કિડની ફેલ થવાથી મોત થયા હતા. આ ઘટના બાદ સંબંધિત કફ સિરપના ઉત્પાદક અને તેમાં વપરાતા ઘટકોની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસના ભાગરૂપે, બાવળાના કેરાલા વિસ્તારમાં આવેલી રેડનેક્સ ફાર્મા કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો દ્વારા સઘન તપાસ ચાલી રહી છે. કફ સિરપમાં કયા ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેની ગુણવત્તા શું હતી તે અંગે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *