
મુન્દ્રાના નવનિર્મિત બારોઈ રોડ પર મોડીરાત્રે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂરઝડપે આવતી ઇકો કારના ચાલકે યુ-ટર્ન લેતા એક એક્ટિવાચાલકને ધડાકાભેર ટક્કર મારી 300 મીટર જેટલો ઢસડ્યો હતો. આ ઘટનામાં સદનસીબે એક્ટિવાચાલકનો જીવ બચી ગયો છે, જોકે અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી કેમરામાં કેદ થઇ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઇકોનું ટાયર ફાટ્યા બાદ પણ ઇકોચાલકે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે સ્થાનિકોએ તેને ઝડપીને પોલીસના હવાલે કર્યો છે. પોલીસે ઇકોચાલકની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતની આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નવનિર્મિત બારોઈ રોડ પર અકસ્માત થતાં સ્થાનિકો જણાવી રહ્યા છે કે નવો રોડ બન્યો, પણ સ્પીડબ્રેકર્સનો અભાવ હોવાથી વાહનચાલકો અહીં વાહનો સ્પીડમાં ચલાવે છે. જો સ્પીડબ્રેકર્સ મૂકવામાં આવે તો અકસ્માતની આવી ઘટનાઓ ટાળી શકાય.