દેશમાં સૌથી મોટી ટ્રાન્સપોર્ટેશન પબ્લિક સરકારી વ્યવસ્થા હોય તો ગુજરાત
દિવાળીના તહેવારોમાં તડાકો નહીં, દાદા ભત્રીજાનો 201 નવી બસોનો ભડાકો, પબ્લિકને ભીડમાં કડાકો નહીં, ઠાઠિયા નહીં, નવી નકોર બસો જોઈલો, છે ને કંચા..







ગુજરાતમાં સૌથી મોટું ટ્રાન્સપોર્ટેશન સરકારી જો હોય તો તે જીએસઆરટીસી કહી શકાય, અને બીજા રાજ્યોમાં જોવા જાય તો ખબર પડે કે ઠાઠિયા બસો કેટલી ચાલે છે, અને અહીંયા નવી નકોર બસો જોવા મળે ત્યારે રાજ્ય સરકારે વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 201 નવી બસોના લોકાર્પણ તથા દિવાળીના તહેવારોમાં એક્સ્ટ્રા બસોની શરૂઆત આજે ગાંધીનગરથી કરવામાં આવી છે. એલ.આઈ.સી. ગ્રાઉન્ડ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવીન 201 એસ.ટી. બસને લીલીઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી બસોમાં 136 સુપર એક્સપ્રેસ, 60 સેમી લક્ઝરી અને 5 મીડી બસોનો સમાવેશ થાય છે. કૃષ્ણનગર, અમરેલી, ધારી, કોડિનાર, ભાવનગર, મહુવા, જુનાગઢ, પોરબંદર, ભૂજ, પાલનપુર, પાટણ, થરાદ, ઉદયપુર, શિરડી, દ્વારકા, સોમનાથ, અંબાજી, સુરત, વાપી, દાહોદ, ગોધરા અને ઝાલોદ રૂટ પર દિવાળી વધારાની 1600 બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાની, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા માટે સતત નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે વાહન-વ્યવહાર વિભાગનું દિશાદર્શન કર્યું છે. ગાંધીનગરમાં યોજાયેલા બસોના લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી અને વાહન-વ્યવહાર રાજ્ય મંત્રીએ બસનું વિધિવત રીતે લોકાર્પણ કરીને બસના ડ્રાઇવર-કંડક્ટરોનું અભિવાદન કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ દિવાળીના તહેવારોમાં રાજ્યનો દરેક નાગરિક પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે દિવાળી નિમિત્તે એક્સ્ટ્રા 4,200 બસોના સંચાલનનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ લોકાર્પણથી રાજ્યના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓના મુસાફરોને રાહત થશે. તેમજ દિવાળીના તહેવારોમાં એક્સ્ટ્રા બસોની શરૂઆતથી બસની રાહ જોવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે.
તાજેતરમાં જ ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા ભાદરવી પૂનમ દરમિયાન અંબાજીના મેળા માટે 28,000થી વધુ, પવાગઢ આસો નવરાત્રિ માટે 22,000થી વધુ અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન 7,000થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરીને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાનો પરિચય કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી.નિગમ દૈનિક 8,000થી વધુ બસો દ્વારા પ્રતિદિન 33 લાખ કિલોમીટરનું સંચાલન કરીને રાજ્યના 27 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્યસ્થાને પહોંચાડે છે.
આ લોકાર્પણ સમારોહમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ તથા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને માણસાના ધારાસભ્ય જયંતિ પટેલ ઉપરાંત વાહન-વ્યવહાર વિભાગ અને એસ. ટી. નિગમના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.