
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન હવે સાથે રહેશે. ત્યાર બાદ તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ તરફ ફરીને પૂછ્યું, “શું એવું છે?” તેમણે આ નિવેદન ઇજિપ્તના શર્મ અલ-શેખમાં ગાઝા શાંતિ સમિટ દરમિયાન આપ્યું હતું. પ્રશ્ન પૂછ્યા પછી ટ્રમ્પ અને સ્ટેજ પરના અન્ય નેતાઓ હસવા લાગ્યા. ટ્રમ્પે પીએમ મોદીનું નામ લીધા વિના ભારતને એક મહાન દેશ અને સારો મિત્ર પણ ગણાવ્યો. ભારત એક મહાન દેશ છે અને એ મારા મહાન મિત્રને કારણે છે, જેમણે ખૂબ જ સારું કામ કર્યું છે. મને લાગે છે કે ભારત અને પાકિસ્તાન હવે સારી રીતે એકબીજા સાથે રહેશે. ટ્રમ્પનું આ નિવેદન મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને રોકવાના દાવાઓ વચ્ચે આવ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાને સમર્થન આપ્યું છે કે તેમણે ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યું હતું. શાહબાઝ શરીફે સોમવારે કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખરેખર શાંતિપ્રિય છે અને તેમના પ્રયાસોને કારણે શાંતિ સ્થાપિત થઈ છે. તેમણે માત્ર ભારત-પાકિસ્તાન યુદ્ધ જ નહીં, પરંતુ વિશ્વભરમાં આઠ યુદ્ધવિરામમાં પણ મધ્યસ્થી કરી હતી.
શરીફે ઇજિપ્તના શર્મ અલ-શેખ શહેરમાં એક પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન આ ટિપ્પણી કરી હતી, જ્યાં ટ્રમ્પે ગાઝા શાંતિ કરાર પર એક પરિષદનું નેતૃત્વ કર્યું હતું, જેમાં 20થી વધુ દેશોના નેતાઓએ હાજરી આપી હતી. ટ્રમ્પે તેમના ભાષણની વચ્ચે જ શરીફને બોલાવ્યા અને પૂછ્યું, “શું તમે કંઈક કહેવા માગો છો?” અને પાકિસ્તાની વડાપ્રધાનને વિનંતી કરી કે “તમે મને ગઈકાલે જે કહ્યું હતું એ કહો.” શરીફે લગભગ પાંચ મિનિટ સુધી ભાષણ આપ્યું. ત્યાર બાદ ટ્રમ્પ પોડિયમ પર પાછા ફર્યા અને શરીફના ભાષણને ઉત્તમ ગણાવ્યું. તેમણે મજાકમાં કહ્યું, “કહેવા માટે કંઈ બાકી નથી, ચાલો ઘરે જઈએ.” ટ્રમ્પે ગાઝા શાંતિ સમિટમાં પીએમ મોદી સહિત 20થી વધુ દેશોને આમંત્રણ આપ્યું હતું. ભારતના વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે ભાગ લીધો હતો. તેમણે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે પણ મુલાકાત કરી. સિંહે X પર પોસ્ટ કરી અને લખ્યું: ગાઝા શાંતિ પરિષદમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીને મળવું એ સન્માનની વાત હતી. ભારત અને ઇજિપ્ત મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે. ટ્રમ્પે રવિવારે કહ્યું, “મેં આઠ યુદ્ધો બંધ કરાવ્યાં છે. આવું કરવું એ સન્માનની વાત છે. મેં લાખો લોકોના જીવ બચાવ્યા છે.” તેમણે ઉમેર્યું કે તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર માટે આ નથી કરતા.