અમદાવાદ
કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ મહાનગર કાર્યાલય ખાતે “જીએસટી બચત ઉત્સવ” અને “આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન” સંયુક્ત વિષય પર પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ અને જીએસટી બચત ઉત્સવ કાર્યક્રમના પ્રદેશ ઇન્ચાર્જશ્રી હસમુખભાઈ પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન માનનીયશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં દિવાળી પહેલા દિવાળી એટલે કે નવરાત્રીના પ્રથમ નોરતાથી નેક્સ્ટ જનરેશન જીએસટી દેશમાં લાગું કરવામાં આવેલ છે. જીએસટી રીફોર્મ એ દેશના અર્થતંત્રને નવું બળ આપવાનું છે, દેશના નાગરિકોને તહેવારોની ખરીદીમાં બચત પણ થશે તેમજ તેમની ખરીદશક્તિ પણ વધશે. જીએસટીમાં હવે ફક્ત બે સ્લેબ ૫ % અને ૧૮ % જ રાખવામાં આવ્યા છે. દેશના ઈતિહાસમાં પ્રથમ વાર એક સાથે ૪૦૦થી પણ વધુ ચીજવસ્તુઓ પર ટેક્સ ઘટ્યો છે અને ચીજવસ્તુઓ સસ્તી બની છે. આ સુધારાથી દેશના અર્થતંત્રને વેગ મળ્યો છે અને તેનો લાભ દેશના દરેક વર્ગના નાગરિકોને ચોક્કસથી થવાનો છે.
શ્રી હસમુખભાઈ પટેલે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન વિશે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, “દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પના મુજબ દેશને આર્થિક મહાસત્તા બનાવવા દેશને આત્મનિર્ભર બનાવવો ખૂબ જરૂરી છે. દેશમાં બનતી ચીજવસ્તુઓની ખરીદીને પ્રાધાન્ય આપવામાં આવે અને વેપારીઓ પણ સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણ પર ભાર મૂકે તે ખૂબ જરૂરી છે. ટેરર થી લઈને ટેરિફ સુધીની લડાઈમાં દેશને આત્મનિર્ભર બનાવવો જ એકમાત્ર વિકલ્પ છે. આ અભિયાનને જન આંદોલન બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો આવનાર દિવસોમાં કરવામાં આવશે. આ અભિયાન તા. ૧૫ સપ્ટેમ્બર થી ૧૫ ડિસેમ્બર એમ ૯૦ દિવસ ચાલશે, જેમાં નાના વેપારીઓ-ઉદ્યોગપતિઓના સંમેલન યોજાશે, ઘરે-ઘરે તેમજ દુકાને-દુકાને સ્ટીકર લગાવવામાં આવશે, શાળા-કોલેજોમાં નિબંધ સ્પર્ધા – રંગોળી સ્પર્ધા યોજાશે, શેરી નાટકો – પ્રભાત ફેરી – પ્રદર્શની જેવા લોકજાગૃતિના કાર્યક્રમ પણ કરવામાં આવશે. આ પ્રકારે સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમ યોજવામાં આવશે”.
આજની પત્રકાર પરિષદમાં મહાનગર અધ્યક્ષશ્રી પ્રેરકભાઈ શાહ, મહાનગરના મહામંત્રી અને નારણપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી જીતુભાઈ પટેલ, મહામંત્રીશ્રી પરેશભાઈ લાખાણી, મહામંત્રીશ્રી ભુષણભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
