
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે તાલિબાનના નિર્ણયો દિલ્હીમાં લેવામાં આવી રહ્યા છે અને અફઘાનિસ્તાન પર ભારત માટે પ્રોક્સી યુદ્ધ લડવાનો આરોપ લગાવ્યો. જીઓ ન્યૂઝ સાથે વાત કરતા, આસિફે તાલિબાન સાથે યુદ્ધવિરામ પર કહ્યું,” મને શંકા છે કે આ યુદ્ધવિરામ ટકશે કે નહીં, કારણ કે અફઘાન તાલિબાનને દિલ્હી તરફથી સમર્થન મળી રહ્યું છે”. તેમણે ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાનને ઉશ્કેરવામાં આવશે તો લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે. આસિફે કહ્યું, “અમારી પાસે જવાબ આપવાની સંપૂર્ણ ક્ષમતા છે. જો તેઓ યુદ્ધ વધારશે તો અમે હુમલો કરીશું, પરંતુ અમે વાતચીત માટે પણ તૈયાર છીએ.
પાકિસ્તાની મંત્રીએ તાલિબાન લડવૈયાઓ દ્વારા ટેન્ક લૂંટવાના અહેવાલોને અફવા ગણાવીને ફગાવી દીધા. તેમણે કહ્યું.”તાલિબાન લડવૈયાઓ જે મોડેલ ટેન્કનો ઉપયોગ કરી રહ્યા છે તે પાકિસ્તાની નથી. મને ખબર નથી કે તેમને તે ક્યાંથી મળ્યું… કોઈ ભંગારના વેપારી પાસેથી કે પછી તેઓ કોઈ જૂના જમાનાની ટેન્ક ચલાવી રહ્યા છે. તેઓ છબી બનાવવા માટે નકલી ફોટા અને વીડિયોનો ઉપયોગ કરી રહ્યા છે”. આસિફે કહ્યું કે કાબુલ તરફથી સતત જૂઠાણું કહેવામાં આવી રહ્યું છે, તેઓ પ્રોક્સી યુદ્ધ લડી રહ્યા છે.
તાલિબાન સાથેના વિવાદ વચ્ચે પાકિસ્તાને અફઘાનિસ્તાન માટે ટ્રાન્ઝિટ ટ્રેડ સુવિધાઓ સ્થગિત કરી દીધી છે, જેના કારણે અફઘાનિસ્તાન વેપાર માટે પાકિસ્તાની ભૂમિનો ઉપયોગ કરી શકતું નથી. આ નિર્ણય બાદ, કરાચી અને પોર્ટ કાસિમથી અફઘાનિસ્તાન તરફ જતા ટ્રકોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. જે કન્ટેનર પહેલાથી જ લોડ થઈ ગયા હતા તે પણ બંદરો પર ઉતારવામાં આવ્યા છે. પાકિસ્તાનના ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ (FBR)ના આદેશ મુજબ, ક્વેટા અને પેશાવરના કસ્ટમ સ્ટેશનો હવે વધારાના કન્ટેનર હેન્ડલ કરવા સક્ષમ નથી. બધા અફઘાન ટ્રાન્ઝિટ ગેટ પાસ રદ કરવામાં આવ્યા છે અને નવા કન્ટેનરનું પરિવહન બંધ કરવામાં આવ્યું છે. અફઘાનિસ્તાન સમુદ્રથી ખૂબ દૂર છે અને તેના વેપાર માટે પાકિસ્તાની પ્રદેશનો ઉપયોગ કરે છે. અફઘાન ટ્રાન્ઝિટ ટ્રેડ હેઠળ દરરોજ સેંકડો ટ્રક કરાચીથી અફઘાનિસ્તાન માટે રવાના થાય છે.
એક અઠવાડિયાની લડાઈ બાદ બુધવારે સાંજે પાકિસ્તાન અને તાલિબાન 48 કલાકના યુદ્ધવિરામ પર સંમત થયા. બુધવારે, પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને કંદહારના સ્પિન બોલ્ડક શહેરમાં હવાઈ હુમલા કર્યા. આ હુમલાઓમાં આશરે 15 લોકો માર્યા ગયા અને 100થી વધુ ઘાયલ થયા. જવાબમાં તાલિબાને પાકિસ્તાનના પેશાવરમાં ડ્રોન હુમલો કર્યો. આ હુમલો એક પ્લાઝાના એક રૂમને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ ગુપ્તચર પ્રવૃત્તિઓ માટે ગુપ્ત કાર્યાલય તરીકે થતો હોવાનો દાવો કરવામાં આવે છે.