
જો તમે પણ દિવાળીના તહેવારોમાં સસ્તા ભાવે અને આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મનપસંદ વસ્તુ ખરીદવા માગતા હોવ તો જરા ચેતજો, કારણ કે સાયબર ક્રિમિનલ ફ્લિપકાર્ટ, એમોઝોન અને મીશો જેવી નામાંકિત ઇ-કોમર્સ વેબસાઇટની આબેહૂબ નકલી વેબસાઇટ બનાવીને લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે. હેવારોની સિઝનમાં હવે સાયબર ગઠિયા કેવી ત્રણ ટ્રિકથી લોકોને છેતરે છે? એનાથી બચવા માટે શું સાવધાની રાખવી અને મોબાઇલમાં કઈ એપ્લિકેશન રાખવાથી ભોગ બનતાં બચી શકાય.
ગુજરાત રાજ્યમાં પણ સાયબર ક્રાઈમનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને દિવાળીમાં એમાં જબરદસ્ત ઉછાળો જોવા મળતો હોય છે. ઓનલાઈન શોપિંગની આડઅસર ગણો કે લોભામણી લાલચમાં લોકોને ફસાવવાનાં કારસ્તાન, વર્ષ 2023માં નવરાત્રિ-દિવાળી દરમિયાન સાયબર ક્રાઈમમાં 54% અને 2024માં 60%નો વધારો નોંધાયો હતો, જ્યારે આ વર્ષે પણ 60%નો ઉછાળો થવાની ધારણા છે. મુખ્યત્વે લોકો એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો જેવી નામાંકિત વેબસાઇટ્સ પણ પોતાની પ્રોડક્ટનું વેચાણ વધારવા વિવિધ સ્વરૂપે માર્કેટિંગ અને જાહેરાતો રીલ, પ્લેટફોર્મ અને લિંક સ્વરૂપે વાઇરલ કરતી હોય છે. એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો જેવી મોટી કંપનીઓની સાથે સાથે ઇન્ટરનેટ અને ઓનલાઈન શોપિંગની દુનિયાના નાના વેપારીઓ પણ પોતાનું વેચાણ વધારવા માટે ડિજિટલ માર્કેટિંગ કરતા હોય છે. આ જ સ્થિતિનો ફાયદો ઉઠાવીને સાયબર ક્રિમિનલ એક્ટિવ થયા છે. તેઓ નામાંકિત વેબસાઇટ જેવી જ આબેહૂબ નકલી વેબસાઇટ્સ બનાવીને લોકો સાથે છેતરપિંડી કરે છે. એના કારણે નિયમ પાળીને તેમજ ગ્રાહકોના હિતને ધ્યાને રાખીને ધંધો કરતી પ્રતિષ્ઠિત ઇ-કોમર્સ વેબસાઇટના લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. કેટલાક સ્ક્રીનશોટની મદદથી સમજો કે કેવી રીતે સાયબર ગઠિયા નકલી વેબસાઇટ બનાવીને લોકોને તથા જે-તે વેબસાઇટની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે.
પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. પરમારના જણાવ્યા અનુસાર દિવાળી જેવા તહેવારો વખતે સાયબર ગઠિયાઓ પણ અલગ-અલગ મોડસઑપરેન્ડીથી લોકોને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેમ કે બુકિંગ ઑફર, ડિસ્કાઉન્ટ ઑફર, ટ્રાવેલ ઑફર. એટલું જ નહીં, ધાર્મિક સંસ્થાઓમાં રજિસ્ટ્રેશનના બહાને અથવા VIP એન્ટ્રીના બહાને એ લોકો અલગ અલગ રીતે કોલ, SMS અને સોશિયલ મીડિયાની જાહેરાત મારફતે સંપર્ક કરી રૂપિયા પડાવવાનો પ્રયાસ કરે છે. સાયબર ફ્રોડ કરનારા લોકો તેમની નકલી વેબસાઇટ હોવાની જાણ ન થાય એ માટે ટાઇની યુઆરએલ (Tiny URL) બનાવી નાખે છે. એટલે તમે જ્યારે ક્લિક કરો છો ત્યારે ઓરિજિનલની જગ્યાએ નકલી વેબસાઇટ પર જાઓ છો. તમે ઓર્ડર આપો છો ત્યારે તમને ઇમેઇલ પણ મળશે, ટ્રેકિંગ પણ કરી શકશો કે તમારો ઓર્ડર થઈ ગયો છે, પણ પ્રોડક્ટ તમને નહીં મળે ત્યારે તમને ખ્યાલ આવે છે કે મારી સાથે સ્કેમ થઈ ગયો છે.
સાયબર ક્રિમિનલ આપણી માનસિક કમજોરીને જ ટાર્ગેટ કરે છે. દાખલા તરીકે તેમને ખબર છે કે આઇફોન એ બહુ મોંઘી વસ્તુ છે. જો એને 30 હજાર કે 40 હજારના ડિસ્કાઉન્ટ પર અથવા મોટી ઑફર સાથે વેચવાનું બતાવીશું તો ચોક્કસ લોકો એના પર ક્લિક કરશે અને લેવાનો પ્રયત્ન કરશે. એવી જ રીતે વ્હીકલ જેવી મોંઘી વસ્તુઓ કોઈ વેબસાઇટ પર એકદમ ઓછા ભાવમાં મોટા ડિસ્કાઉન્ટ સાથે બતાવવામાં આવે છે ત્યારે માણસ એમાં ફસાય છે. તેમણે કહ્યું, હું લોકોને ખાસ અરજ કરીશ કે તેમને જે કોઈ કોલ, SMS અથવા સોશિયલ મીડિયામાં જાહેરાત દેખાય એને ચકાસો અને પૂરી સમજદારીથી એના પર ધ્યાન આપો. જેન્યુઇન વેબસાઇટથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખો.
સાયબર એક્સપર્ટ ફાલ્ગુન રાઠોડે કહ્યું, ઓનલાઈન શોપિંગ કરવાનું ટાળવું જેટલું શક્ય હોય. જો તમારે ખરીદી કરવી જ હોય તો એમેઝોન, ફ્લિપકાર્ટ પર શોપિંગ કરતી વખતે પણ ધ્યાન રાખવું કે જે સેલર છે તેની ડિટેલ તપાસો કે તે ખરેખર અસલી છે કે નહીં. તેના રિવ્યૂ જુઓ, પ્રોડક્ટના રિવ્યૂ જુઓ. આવી બેઝિકલી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. બીજું, તમે જે ઓનલાઈન શોપિંગની એપ્લિકેશન્સ ડાઉનલોડ કરો છો એ પ્લે સ્ટોર પરથી કરો. મોટા ભાગનાં સોશિયલ મીડિયા પર નામાંકિત કંપનીઓથી માંડીને વિવિધ પેજ કે હેન્ડલ પણ બિઝનેસની જાહેરાતો કરતા હોય છે, એટલે સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતાં-કરતાં જ્યારે આવી જાહેરાતો આડે આવે તો લાલચમાં આવીને લોકો એના પર ક્લિક કરી બેસે છે, જોકે કેટલાક કિસ્સામાં એવું પણ હોય છે કે એક ક્લિક કરવાથી તમે એવા પ્લેટફોર્મ પર પહોંચી જશો, જે સાયબર ગઠિયાઓએ બનાવ્યું હોય. સાયબર એક્સપર્ટ ફાલ્ગુન રાઠોડે આ મુદ્દે કહ્યું, મેં જોયું છે કે ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામ કે ગૂગલ પર એડ્સ દેખાય તો ત્યાં ક્લિક કરી દેતા હોય છે. આ ક્લિક કરવાની સાથે જ તમારા મોબાઈલ ફોનની અંદર કોઈ સ્ક્રીન મિરરિંગ એપ્લિકેશન્સ ડાઉનલોડ થઈ જાય છે, જેના લીધે તમારો ફોન હેક થઈ શકે છે, જેથી તમારો OTP પણ સાયબર એટેકરને મળી જશે. તેમણે કહ્યું, કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરો તો એક વખત ગૂગલ પર સર્ચ કરી લેવું કે જે-તે એપ્લિકેશન યોગ્ય છે કે નહીં. જો છેતરપિંડીનો ભોગ બનો તો તમે 1930 નંબરની હેલ્પલાઇન પર કોલ કરી શકો છો.

એમેઝોન વેબસાઇટની URLમાં આલ્ફાબેટ X જોડી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે URLમાં કોઈનું ધ્યાન નથી જતું. એટલે લોકો ખોટી વેબસાઇટ પરથી શોપિંગ કરીને છેતરપિંડીનો ભોગ બને છે.

એવી જ રીતે ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટના નામે પણ નકલી વેબસાઇટ કોઈકે બનાવી હતી, જેમાં ફ્લિપકાર્ટ લખ્યા પછી વધુ એક શબ્દ જોડી દીધો. આ વેબસાઇટનો કલર કોડ તેમજ વિવિધ સ્કીમના પોસ્ટરને જોતાં વેબસાઇટ પર શંકા જાય જ નહીં એ કક્ષાની તૈયારી સાયબર ક્રિમિનલ કરી રાખે છે.

સસ્તી વસ્તુ વેચવાના નામે જાણીતી મીશો નામની ઇ-કોમર્સ સાઇટના નામે પણ લોકોને છેતરવાનો પ્રયાસ થયો હતો. એમાં પણ URLમાં થોડોઘણો ફેરફાર કરીને અસલી વેબસાઇટ જેવી જ નકલી વેબસાઇટ બનાવાઈ હતી.