
છેલ્લા છ મહિનાથી અભુતપુર્વ તેજી અને વધુ ભાવ વધારાનાં આશાવાદથી ભારતીયોની જંગી ખરીદીને પગલે ચાંદીમાં અછતની હાલત વધુ ગંભીર બની છે. દુનિયાનાં અનેક દેશોમાં સમાન સ્થિતિ સર્જાઈ હતી. ભારતની સૌથી મોટી રીફાઈનરી એમએમટીસી-પીએએમસીમાં પ્રથમવાર ચાંદીનો ભંડાર ખાલી થયો હતો.લંડનની બેંકોમાં પણ સ્ટોક ખતમ થયો હતો. ચાંદીમાં એકધારી-અસામાન્ય તેજીથી ખરીદીનો જબરજસ્ત ક્રેઝ રહ્યો હતો.ધનતેરસે પણ જંગી ખરીદી થઈ હતી.
ભારતની સૌથી મોટી રીફાઈનરીનો ભંડાર ખાલી થયાનું પ્રથમવાર બન્યુ છે. વિશ્વ સ્તરે લંડન જેવા મોટા કારોબારી કેન્દ્રોમાં બેંકોએ તો ગ્રાહકોને યાંદીના ભાવ આપવાનું જ બંધ કરી દીધુ હતું.કારણ કે સ્ટોક ખતમ થઈ ગયો હતો. વૈશ્વિક નિષ્ણાંતોએ ચાંદીમાં આ સ્થિતિ છેલ્લા 45 વર્ષથી સૌથી ખરાબ હોવાનું જાહેર કર્યું છે. લંડનની માર્કેટમાં ચાંદીનો દરરોજનો 250 મીલીયન ઔંસનો કારોબાર હોય છે. એટલે સપ્લાયની અછત તીવ્ર દેખાઈ હતી. સપ્લાય વહેલીતકે નોર્મલ ન થાય તો તેથી વધુ ગંભીર બની શકે છે. એટલું જ નહિ અચાનક સપ્લાય આવી જવાના સંજોગોમાં ભાવમાં કડાકો શક્ય છે.
નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે ચાંદીની આ અછત કૃત્રિમ નથી, વાસ્તવિક છે.
છેલ્લા પાંચ વર્ષોથી ખાણમાંથી ઉત્પાદન તથા રિસાયકલીંગ સ્ટોક ઘટી રહ્યો છે તેની સામે માંગમાં અનેકગણી વૃધ્ધિ છે. ડીમાંડ વધારા પાછળનું કારણ સોલાર પેનલ ઉદ્યોગ છે. જેમાં ચાંદીમાં મોટો વપરાશ છે.
વેપારીઓના કહેવા પ્રમાણે ચાંદીનો વપરાશ ઔદ્યોગીક ક્ષેત્રમાં રેકોર્ડ બાવન ટકાએ પહોંચી ગયો છે. જવેલરીમાં 18 ટકા તથા સિકકા-લગડીમાં 21 ટકા વપરાશ છે. ચાંદીનાં વાસણોમાં વપરાશ પાંચ ટકા છે.
નવા વર્ષે સોનું 1.60 લાખ, ચાંદી 2.25 લાખ થશે વૈશ્વિક એજન્સીઓની આગાહીઃ તેજીનો દોર જારી રહેશે
સોના-ચાંદીમાં અસામાન્ય તેજીનો દોર છે અને નવા વર્ષમાં પણ તે આગળ ધપવાનું અનુમાન છે. વર્ષ દરમ્યાન સોનામાં 60 ટકા તથા ચાંદીમાં 85 ટકાનું રીટર્ન મળ્યુ છે. નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે રાજકીય-આર્થિક અસ્થિરતાનો માહોલ-સેન્ટ્રલ બેંકોની ખરીદી, જંગી ઈન્વેસ્ટમેન્ટ સ્ટોકની અછત, ટેરિફ વોર, જેવા કારણોથી તેજીનો માહોલ હજુ અટકે તેમ નથી. આવતા વર્ષમાં સોનું 1.60 લાખના સ્તરે પહોંચી શકે છે. જયારે ચાંદીની કિંમત 2.25 લાખ થઈ શકે છે. સોના-ચાંદી વિશે અનેક વૈશ્વિક એજન્સીઓએ રીપોર્ટ જારી કર્યા છે. એચએસબીસીનાં અનુમાન મુજબ 2026 ના પ્રથમ છ મહિના સુધીમાં સોનાનો વૈશ્વિક ભાવ 5000 ડોલરને આંબી શકે છે.
ભારતમાં કિંમત 1.50 થી 1.60 લાખ થઈ શકે છે. બેંક ઓફ અમેરિકાએ પણ સોનાના 5000 ડોલરનું અનુમાન બાંધ્યુ છે. ઈન્વેસ્ટમેન્ટ ડીમાંડમાં પણ 14 ટકાનો વધારો થવાનું અનુમાન છે. ચાંદીને લાગેવળગે છે ત્યાં સુધી વૈશ્વિક ભાવ 75 થી 77 ડોલર તથા ભારતીય ભાવ 2.25 થી 2.45 લાખ થઈ શકે છે.