જંગલ સફારી પાર્કની ટિકિટોની કાળાબજારી કરવાના ગંભીર કેસમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ટીમને મોટી સફળતા મળી છે. આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કરીને ટીમે દિલ્હીમાંથી વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ગેરકાયદેસર રીતે સફારીની ટિકિટોનું એડવાન્સ સ્લોટ બુકિંગ કરાવી લેતા હતા અને ત્યારબાદ પ્રવાસીઓની મજબૂરીનો લાભ ઉઠાવી તેમની પાસેથી ટિકિટના નિર્ધારિત ભાવ કરતાં વધુ પૈસા પડાવતા હતા, જેના કારણે પ્રવાસીઓને આર્થિક નુકસાન થતું હતું.
આ સમગ્ર રેકેટની તપાસમાં વધુ કેટલાક ખુલાસા થવાની સંભાવના છે.
અનેક પ્રખ્યાત સફારી પાર્કની ટિકિટોની કાળાબજારી
ઝડપાયેલા આરોપીઓ માત્ર એક જંગલ સફારી પાર્કની નહીં, પરંતુ દેશના અનેક પ્રખ્યાત વન્યજીવ અભયારણ્યોની ટિકિટોની કાળાબજારી કરતા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપીઓ ગુજરાત ઉપરાંત રણથંભોર, કાજીરંગા અને જીમ કોબેટ જેવા રાષ્ટ્રીય ઉદ્યાનોની સફારી ટિકિટોનું પણ બ્લેક માર્કેટિંગ કરતા હતા. એડવાન્સ સ્લોટ બુકિંગમાં પ્રવાસીઓને ટિકિટ ન મળવાનો ફાયદો ઉઠાવીને આ આરોપીઓ ઊંચા ભાવે ટિકિટો વેચીને પ્રવાસીઓને લૂંટતા હતા. આ કૃત્યના કારણે વન્યજીવ પર્યટન ક્ષેત્રે માફિયાગીરી ફેલાઈ હતી.
પ્રવાસીઓને લૂંટવાનું આયોજનબદ્ધ કાવતરું
આરોપીઓનું આ કૃત્ય એક આયોજનબદ્ધ કાવતરું હતું, જેમાં તેઓ પ્રખ્યાત સફારી પાર્ક્સના એડવાન્સ બુકિંગ સ્લોટ્સને હસ્તગત કરીને તેને ઊંચા ભાવે વેચીને પોતાનો ગેરકાયદેસર ધંધો ચલાવતા હતા. સાયબર એક્સેલન્સ ટીમે આ મામલે ટેકનિકલ અને માનવ ગુપ્ત માહિતીના આધારે સફળતા મેળવી છે. દિલ્હીથી બે આરોપીઓની ધરપકડ બાદ આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને તેમાં સંડોવાયેલા અન્ય લોકોની માહિતી મેળવવાની દિશામાં પોલીસ દ્વારા સઘન પૂછપરછ અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.