સુરતમાં ‘શાહ ઇન્વેસ્ટમેન્ટ’ના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલીને રોકાણકારોના કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર હાર્દિક શાહ (ફાઉન્ડર) અને તેની પત્ની પૂજા શાહ (મેનેજિંગ ડિરેક્ટર) સામે વધુ એક છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. ચોકબજાર પોલીસ અને સીઆઇડી ક્રાઇમ બાદ હવે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં શાહ દંપતી વિરુદ્ધ ત્રીજી ફરિયાદ દાખલ થઈ છે.
9 વેપારીઓએ રોકેલા કુલ 99 લાખ રૂપિયા સલવાયા
આ ગુનામાં વરાછાના એક સોફ્ટવેર ડેવલપર સહિત 9 વેપારીઓએ રોકેલા કુલ 99 લાખ રૂપિયા સલવાયા છે. શાહ દંપતીએ રોકાણકારોને આકર્ષવા માટે સોશિયલ મીડિયા પર ગુજરાતી કલાકારોના વીડિયોનો ઉપયોગ કરીને જાહેરાતો કરી હતી અને 100 દિવસમાં 12થી 15 ટકાના ઊંચા વળતરની લોભામણી લાલચ આપી હતી.
સોફ્ટવેર ડેવલપરના 30 લાખ અને વેપારીના 11 લાખ ફસાયા
વરાછા-હીરાબાગ ખાતે રહેતા મિલન ભાતિયા (સોફ્ટવેર ડેવલપર)ને તેમના મિત્ર મારફતે પૂજા અને હાર્દિક શાહ મળ્યા હતા. શાહ દંપતીની મોટી વાતો અને ઊંચા વળતરની લાલચમાં આવી જઈ મિલનભાઈએ 30 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જેના પર દંપતીએ ઠેંગો બતાવી નાણાં ચૂકવવાનો ઇન્કાર કરી દીધો હતો. આ ઉપરાંત, હરેશ રામજી ડુંગરાણી નામના અન્ય એક વેપારીએ સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને શાહ ઇન્વેસ્ટમેન્ટમાં 11 લાખ રૂપિયા રોક્યા હતા, પરંતુ આરોપીઓએ તેમને માત્ર 1.74 લાખ રૂપિયા જ પરત આપી બાકીની રકમ ડૂબાડી દીધી હતી.
અગાઉના ગુનાઓમાં પણ કરોડોનું ફુલેકું
અત્રે ઉલ્લેખનીય છે કે, શાહ દંપતી વિરુદ્ધ અગાઉ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં પાંચ રોકાણકારોને રૂ. 30.95 લાખનો ચૂનો ચોપડવા બદલ ગુનો નોંધાયો હતો, જેમાં તેમની ધરપકડ પણ થઈ હતી. વધુમાં, ભાવનગર-મહુવાના પાર્થ પંડ્યાના 58 લાખ અને અશ્વિન રાણાભાઇના 75 લાખ સહિત કુલ 1.33 કરોડની છેતરપિંડીનો ગુનો સીઆઇડી ક્રાઇમમાં પણ દાખલ થયેલો છે. કાપોદ્રા પોલીસમાં ત્રીજો ગુનો નોંધાતા શાહ દંપતી દ્વારા ફેરવવામાં આવેલા ફુલેકાનો કુલ આંકડો કરોડોને પાર કરી ગયો છે. હાલ પોલીસે આરોપી દંપતીની વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે, ત્યારે આ છેતરપિંડીના સકંજામાં હજુ વધુ કેટલા રોકાણકારો ફસાયેલા હશે તે દિશામાં તપાસ ચાલી રહી છે.