અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં છૂટાછેડા સંબંધિત એક અજીબ અને કાયદાકીય દ્રષ્ટિએ મહત્ત્વનો કિસ્સો સામે આવ્યો હતો. છૂટાછેડા લીધેલી એક મહિલાએ કોર્ટમાં અરજી કરીને એવી માંગણી કરી હતી કે તેના સંતાનના જાહેર દસ્તાવેજોમાંથી પિતાનું નામ કાઢી નાખવામાં આવે અને તેના સ્થાને માત્ર માતા તરીકે તેમનું નામ લખવામાં આવે.
જોકે, આ અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ નોંધ્યું કે, “ભાવનાત્મક તકલીફ અથવા વહીવટી સુવિધા માટે જાહેર દસ્તાવેજોમાંથી માતા કે પિતાની ઓળખ દૂર કરવાનો કોઈ કાયદેસર અધિકાર બનતો નથી.”
કોર્ટે વધુમાં જણાવ્યું કે, જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ હેઠળ રજિસ્ટર્ડ જન્મ રેકોર્ડમાં સુધારો કરવાનો ચોક્કસ અધિકાર છે, પરંતુ હિન્દુ દત્તક અને ભરણપોષણ અધિનિયમ, 1956 મુજબ, જૈવિક (Biological) પિતાનું નામ દસ્તાવેજોમાંથી કાઢી શકાતું નથી.
કોર્ટે કાયદાકીય જોગવાઈઓ અને જૈવિક સંબંધના મહત્ત્વને ધ્યાનમાં રાખીને મહિલાની આ અસામાન્ય અરજીને ફગાવી દીધી હતી, જેનાથી જાહેર દસ્તાવેજોમાં પિતાની ઓળખના મહત્ત્વ પર ભાર મૂકાયો હતો.