
ભુજ-ખાવડા માર્ગ પર નાગોર બ્રિજ નજીક સોમવારે સવારે એક ટ્રેલર બેકાબુ બની ચાર માર્ગીય રસ્તાની વચ્ચે આવેલી લોખંડની રેલિંગ પર ચડી ગયું હતું. આ અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. મીઠાના પરિવહનમાં લાગેલું આ મહાકાય ટ્રેલર કાબુ ગુમાવતા 4 ફૂટ ઊંચી રેલિંગ પર ચડી ગયું અને થોડે દૂર જઈને અટક્યું. અકસ્માતને કારણે માર્ગ પર થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, અકસ્માતનો જોરદાર અવાજ આવતા અન્ય વાહનો થંભી ગયા હતા. જોકે, ભુજ બી ડિવિઝન પોલીસ મથકે તપાસ કરતા આ ઘટનાની કોઈ નોંધ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પૂર્વે ખાવડા નજીક કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે ટક્કર થતા બંને વાહનોમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ અકસ્માત બાદ પણ ખાવડા સહિત સમગ્ર જિલ્લામાં ખાનગી લક્ઝરી બસો દરવાજા બંધ કર્યા વિના દોડી રહી છે. માર્ગો પર બેફામ ગતિથી ચાલતા વાહનોને કારણે લોકોમાં ચિંતા વ્યાપી છે. સંબંધિત તંત્ર આ મામલે યોગ્ય તપાસ હાથ ધરી કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.