ઘોઘા તાલુકાના અવાણીયા ગામ નજીક ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા એક ડમ્પરને ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે ઝડપી પાડ્યું

Spread the love

 

 

 

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના અવાણીયા ગામ નજીક ગેરકાયદેસર રીતે સાદી રેતીનું વહન કરતા એક ડમ્પરને ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે ઝડપી પાડ્યું હતું. જોકે, આ દરમ્યાન બે ખાનગી વાહનોમાં આવેલા ચાર શખ્સોએ કાયદેસરની કાર્યવાહીમાં રૂકાવટ ઊભી કરીને સરકારી કર્મચારીને ડમ્પર માંથી નીચે ઉતારી, આશરે રૂ.1 લાખથી વધુની કિંમતની રેતી ભરેલું ડમ્પર ભગાડી જતાં ખનીજ માફિયાઓની દાદાગીરી સામી આવી હતી.
આ બનાવ અંગે ઘોઘા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ​ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર તેમની ટીમ ગાર્ડ સંજયદાન ગઢવી, પ્રવિણભાઈ રાઠોડ, ડ્રાઇવર સમીરહુશેન શેખ અને વિરભદ્રસિંહ વાળા સાથે ગઇકાલ તા.25/10/2025 ના રોજ રાત્રે 10 વાગ્યાથી સરકારી વાહનમાં ઘોઘા નજીક અવાણીયા ગામના પાટીયા પાસે ફરજ પર હતા. રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે ઘોઘા તરફના પીપળીયા પુલ તરફથી આવી રહેલું 6 વ્હીલનું પીળા કલરનું ડમ્પર નં. GJ-13-AT-0900 રોકાવવામાં આવ્યું હતું. ​ડમ્પરની તપાસ કરતાં તેમાં ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરેલી હતી. ડ્રાઇવર લાલો રહે.માંડવા, તા. તળાજા પાસે રેતીના વહન માટેનો રોયલ્ટી પાસ કે કોઈ પરમીટ મળી આવી નહોતી. ડમ્પરમાં આશરે 10 થી 12 મેટ્રિક ટન સાદી રેતી ભરેલી હતી, જેની કિંમત રૂ.1,10,000 નો મુદ્દામાલ થાય છે,
માઇન્સ સુપરવાઇઝરે તેમના સ્ટાફના કર્મચારી વિરભદ્રસિંહ વાળાને ડમ્પર ડ્રાઇવર સાથે ઘોઘા પોલીસ સ્ટેશન તરફ વાળવામાં આવ્યું તે જ સમયે બે ખાનગી કારો ઘટનાસ્થળે આવી પહોંચી હતી.​બ્લેક કલરની સ્કોર્પિયો GJ-04-EP-3334 તથા​બ્લેક કલરની સ્વીફ્ટ કાર GJ-38-BF-18​આ વાહનોમાંથી અશ્વીન મગનભાઈ ડાભી રહે.ખદરપર, તા.તળાજા, કનકસિંહ જસુભા ગોહિલ રહે.સોસીયા, તા.તળાજા અને અમર લાખાભાઈ ડાભી નામના ચાર શખ્સો આવ્યા હતા. ​આરોપીઓએ તુરંત જ ડમ્પરમાં બેઠેલા સરકારી કર્મચારી વિરભદ્રસિંહ વાળાને નીચે ઉતારી મૂક્યા હતા અને ખનીજ વિભાગની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. આ ચારેય વ્યક્તિઓએ એકબીજાની મદદગારી કરીને અધિકારીઓ દ્વારા પકડવામાં આવેલું ગેરકાયદેસર રેતી ભરેલું ડમ્પર બળજબરીપૂર્વક ભગાડી ગયા હતા.
​ફરિયાદી માઇન્સ સુપરવાઇઝરે આ સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસને વિનંતી કરી હતી,આરોપીઓએ ગેરકાયદેસર ખનિજ વહન અને સરકારી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ કલમ એમ.એમ.ડી.આર. એક્ટ 1956 ની કલમ 4(1) તથા 4(1એ) ના ભંગ બદલ કલમ 25(6) મુજબ તેમજ ગુજરાત બિન અધિકૃત ખનિજ નિવારણ નિયમો, 2017 ના નિયમ 3 ના ભંગ બદલ નિયમ 21(5) મુજબ, ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ સરકારી ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ઘોઘા પોલીસમાં અરજી આપીને કડક પગલાં લેવાની માંગ કરી છે, જેના આધારે ઘોઘા પોલીસ દ્વારા ચારેય શખ્સો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ડમ્પર ચાલક અને ડમ્પરને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *