નર્મદા ઘાટ દુર્ઘટનામાં ત્રણેય મૃતકના પરિવારને 50-50 લાખની સહાયની જાહેરાત

Spread the love

 

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે નર્મદા ઘાટ પર ગઇકાલે (27 ઓક્ટોબર) નવીનીકરણની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતાં અકટેશ્વર ગામના ત્રણ સ્થાનિક શ્રમિકના દીવાલમાં દટાઈ જવાથી મૃત્યુ થયા હતા. જેને પગલે ગરુડેશ્વર રેફરલ હોસ્પિટલ ખાતે પરિવારજનોના ભારે આક્રોશથી વાતાવરણ ગરમાયું હતું. પરિસ્થિતિની ગંભીરતા જોઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાનિક નેતાઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ તમામ પક્ષના નેતાઓની મધ્યસ્થી બાદ મૃતક દીઠ 50 લાખની સહાયની જાહેરાત કરાતાં મામલો થાળે પડ્યો હતો. બીજી તરફ, આ દુર્ઘટનામાં બેદરકારી દાખવવા બદલ પોલીસે એજન્સી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ FIR નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજે (27 ઓક્ટોબર) સવારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, ભાજપના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રણજીત તડવી અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ત્રણેય મૃતક શ્રમિકના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી અને તેમને સાંત્વના પાઠવી અને તેમની રજૂઆતો સાંભળી હતી.
આ મુલાકાત બાદ નેતાઓએ આ મામલે તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય પીડિત પરિવારોને કોઈપણ સંજોગોમાં અન્યાય ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો. નેતાઓએ તંત્ર સમક્ષ મૃતકોના પરિવારોને તાત્કાલિક અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ભારપૂર્વક માગણી કરી હતી.
પરિવારના આક્રોશને લઇ લાંબી ચર્ચા અને મધ્યસ્થી બાદ વળતર અંગે સમાધાન સધાયું હતું. તંત્ર દ્વારા આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારને 50 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સહાયની રકમ બે તબક્કામાં ચૂકવવામાં આવશે, જેમાંથી 20 લાખ રૂપિયા આજે જ સ્થળ પર અને બાકીના 30 લાખ રૂપિયા આગામી 10 દિવસમાં ચૂકવી દેવામાં આવશે. સહાયની જાહેરાત બાદ પરિવારજનોનો આક્રોશ શાંત થતાં મામલો થાળે પડ્યો હતો અને ત્રણેય મૃતદેહનું પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું હતું. આ ગંભીર ઘટના બાબતે કેવડિયા ખાતેના સલામતી પોલીસ સ્ટેશનમાં જવાબદારો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ કામગીરી કરી રહેલી ઈન્ફા એજન્સી (INFA Agency) તથા કોન્ટ્રાક્ટર શૈલેષ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 106(1) અને 54 મુજબ ફરિયાદ નોંધી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.
ગઇકાલે શું દુર્ઘટના બની હતી?ઃ ઉલ્લેખનીય છે કે, આગામી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થવાની છે. આ કાર્યક્રમને લઈને સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસ વિવિધ વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. આ જ કામગીરીના ભાગરૂપે ગરુડેશ્વર નર્મદા ઘાટ પર નવીનીકરણ અને પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. ગઇકાલે કામ દરમિયાન અચાનક ભેખડ ધસી પડતાં ત્યાં કામ કરી રહેલા ત્રણ સ્થાનિક શ્રમિક દટાઈ ગયા હતા. મૃતક ત્રણેય શ્રમિક અકતેશ્વર ગામના વતની હતા, જેમની ઓળખ રોહિત રણછોડ તડવી (ઉંમર 45), દીપક ભાણા તડવી (ઉંમર 40) અને શૈલેષ કનુ તડવી (ઉંમર 37) તરીકે થઈ છે. ઘટના બાદ સ્થાનિક ફાયર ફાઈટર અને પોલીસની ટીમોએ લગભગ 2 કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી ત્રણેય મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ ઘટનાને પગલે અકતેશ્વર ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તેમણે કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, તાજેતરમાં પડેલા વરસાદને કારણે જમીન પોચી હોવા છતાં કામગીરી ચાલુ રખાતાં આ દુર્ઘટના બની હોવાનું મનાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *