યાર્ડમાં લાભ પાંચમે 10 હજાર કટ્ટા સોયાબીનની ધોમ આવક

Spread the love

 

હિન્દુ સંસ્કૃતિમાં અત્યંત શુભ અને મહત્ત્વપૂર્ણ ગણાતા એવા લાભ પાંચમના નવા વર્ષના પ્રથમ દિવસે મુહૂર્તથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફરી એકવાર ખેડૂતોની જણસી વાંચવા માટે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવી રહી છે. આજે વહેલી સવારથી જ ખેડૂતો પોતાની કિંમતી જણસીઓનું વેચાણ કરવા માટે બહોળી સંખ્યામાં માર્કેટિંગ યાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા, જેના પગલે યાર્ડનું વાતાવરણ ધમધમતું બની ગયું હતું. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ચેરમેન કેવલ ચોવટીયાએ આ શુભારંભ પ્રસંગે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આજે લાભ પાંચમના પવિત્ર દિવસે ખેડૂતો પોતાની મહામૂલી ઉપજનું વેચાણ કરવા માટે ઉત્સાહભેર માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા છે.” તેમણે જણાવ્યું કે આજે યાર્ડમાં અનેક પાકોની નોંધપાત્ર આવક થઈ છે, જેમાં મુખ્યત્વે સોયાબીનની આવક 10,000 કટ્ટા નોંધાઈ છે, જ્યારે મગફળીની 1500 કટ્ટા અને તુવેરની 2000 કટ્ટા જેટલી પુષ્કળ આવક જોવા મળી છે.આજના સોયાબીનના હરાજીના ભાવની વાત કરીએ તો, તે રૂપિયા 934 પ્રતિ મણ (20 કિલો ) સુધી નોંધાયો હતો, જે ખેડૂતો માટે સારો સંકેત છે.
હાલમાં વરસાદી વાતાવરણનો માહોલ રહેવાની સંભાવના હોવાથી, યાર્ડના વહીવટી તંત્રે ખેડૂતોની જણસીઓનું રક્ષણ કરવા માટે વિશેષ તૈયારીઓ કરી છે. ચેરમેન દ્વારા ખેડૂતોને ખાસ અપીલ કરવામાં આવી છે કે સરકારી સૂચનાને ધ્યાનમાં રાખીને, આ આખાય નવેમ્બર માસ દરમિયાન પોતાની જણસીઓ તાલપત્રી વડે વ્યવસ્થિત રીતે ઢાંકીને લાવે, જેથી માલ સહેજ પણ પલડે નહીં કે બગડે નહીં.વધુમાં યાર્ડ ખાતે ખેડૂતોની જણસીને વરસાદથી બચાવવા માટે શેડની પણ ઉત્તમ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ચેરમેને ભારપૂર્વક જણાવ્યું હતું કે ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓ તરફથી મળતી સૂચનાઓનું પાલન કરીને જ પોતાનો માલ વેચવા માટે લાવવો.
યાર્ડમાં માલ વેચવા આવેલા ખેડૂતોમાં પણ સંતોષની લાગણી જોવા મળી હતી. ખેડૂત નવનીતભાઈ કડીવારે લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આજે લાભ પાંચમના મુહૂર્તમાં હું સોયાબીન વેચવા આવ્યો છું, મને મારા પાકનો રૂ. 934 જેટલો સારો ભાવ મળ્યો છે, જેનાથી ખૂબ જ ખુશી થઈ છે.તેમણે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની પારદર્શિતા અને સુંદર વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. યાર્ડમાં યોગ્ય જણસી રાખવા માટેની વ્યવસ્થા ખેડૂતોને ખૂબ જ સહાયરૂપ બની છે. અન્ય ખેડૂત મનસુખભાઈ વાલાણીએ જણાવ્યું કે વરસાદી વાતાવરણના ડરને લીધે ઘણા ખેડૂતો પોતાનો માલ વહેલી તકે વેચવા માટે લાવી રહ્યા છે. તેમણે પોતાના સોયાબીનના ભાવ રૂ. 805 મળ્યા હોવાનું જણાવ્યું હતું.ખેડૂતોને પોતાની જણસીનો પૂરતો ભાવ મળે તેવી આશા વચ્ચે, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવેલી ભોજન વ્યવસ્થા અને સુરક્ષિત શેડની સુંદર વ્યવસ્થાથી ખેડૂતોને ઘણી રાહત મળી છે. વહીવટી તંત્રની આ સજ્જતાથી ખેડૂતોનો વેચાણ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *