
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના હવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેના પરિણામે અમરેલીના ખેડૂતો પાયમાલ બન્યા છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ વરસાદથી મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરોમાં પડેલો મગફળીનો પાક સંપૂર્ણપણે પલળી ગયો છે. પશુઓ માટે રાખવામાં આવેલો ચારો પણ નાશ પામ્યો છે, જેના કારણે પશુધન માટે પણ મુશ્કેલી ઊભી થઈ છે.
આ ઉપરાંત, ઘણા ખેડૂતોનો કપાસ વીણવાનો બાકી હતો, તે પણ પલળી જતાં ભારે નુકસાન થયું છે. કપાસના વણ પણ બગડી ગયા છે. કપાસ અને મગફળી બંનેમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે. રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા, બગસરા, ધારી, લાઠી અને વડીયા સહિતના તાલુકાઓમાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે. ખાસ કરીને રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગામડાઓમાં વધુ વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. ખેડૂતો હવે રાજ્ય સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરી રહ્યા છે.
રાજુલા જાફરાબાદ વિધાનસભા ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા ખેડૂતોના કમોસમી નુકસાન અંગે કૃષિમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. કૃષિમંત્રીને પત્ર લખતા કહ્યું અચાનક વાતાવરણમાં પરિવર્તનના કારણે કમોસમી વરસાદ માવઠું તથા ભારે પવન અને અચાનક પડેલ વરસાદના કારણે ખેડૂતો અને માછીમારોને હાલ ગંભીર નુકસાન વેઠવવુ પડ્યું છે હાલ સિઝન હોવાથી ખેતરોમાં કપાસ મગફળી સોયાબીન તુવેર જેવા અનેક પાકોને દરિયાઈ માછીમારોને આ વરસાદના કારણે ભારેથી અતિ ભારે ખેડૂતો અને માછીમારોને નુકસાન સહન કરવું પડ્યું છે જેથી સરકાર દ્વારા વહેલી સર્વે કરી નુકસાન અંગે કામગીરી કરી ખેડૂતો માછીમારોને યોગ્ય વળતર સહાય કરવા નિર્ણય કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે.
ખેડૂત ભાનુભાઈ આંબલીયાએ કહ્યું કે, 10 વિઘામાં મારે શીંગ છે પાથરા પલળી ગયા અત્યારે હાથ નાખીએ તો બાફ મારે છે ગાયો માટે ચારોલું હતું તે પણ નથી રહ્યું ગાયોને અમે ક્યાં મુકવા જઈએ માણસ તો પેટ ભરી લેશે આવુને આવું દર વર્ષે થાય છે માવઠાની અસરથી ખેડૂતો હવે ખેતી કરવાનું બંધ કરી દેશે સરકારને વિનંતી ખેડૂતો સામે જુવો હવામાન વિભાગએ આગાહી કરી પણ અમે શુ કરીએ સરકાર કે ગોડાઉન કરી માલ સમાન ભરી લયો પણ અમારે શેના બનાવવા ? ખેડૂતો સામે સરકાર જુવે તેવી અમારી વિનંતી છે. ખેડૂત અશોકભાઈ બુહાએ કહ્યું કે, “અત્યારે બધી શીંગ પલળી ગઈ મારે 20 વિઘામાં હતી મોઢામાં આવેલ કોળિયો વ્યો ગયો તેમ કયો તો પણ ચાલે બધુ ફેલ થયુ સડી ગયુ આ વેહચીને શિયાળુ પાક કરીશું એવું હતું હવે ફેલ થયું સરકાર સર્વે કરી કઈક કરે તો સારુ”. તો બીજા ખેડૂત હરેશભાઇ બુહાએ કહ્યું કે, મારે શીંગ હતી હવામાન વિભાગ વાળા કહેતા હતા કય પણ જગ્યાએ માવઠું થશે તો થયું શીંગ મારે તો ખેંચી લીધી હતી શીંગ અને માલઢોરનો ચારો હતો ઇ પલળી ગયો છે હવે માલઢોરને શુ ખવરાવશું કપાસ પણ એક વિણી વીણી હતી બીજી વીણી બાકી હતી ત્યાં વરસાદ આવ્યો જેના કારણે કપાસ નીચે ખરી ગયો હવે ઇ ચાલે નહિ ખેડૂતને હવે શું કરવું સરકાર ઝડપથી સર્વે કરી સહાય આપે બાકી ખેડૂત શિયાળુ પાક પણ વાવી નહિ શકે.