
અમદાવાદના એક કાપડના વેપારીને તેમના જ સાઢૂ ભાઈ અને તેના ત્રણ મળતીયાઓએ મળીને 2.05 કરોડનો ચુનો લગાવ્યો છે.વેપારીને ડોક્સી કંપનીમાં રોકાણ કરીને સારો નફો આપવાની લાલચ આપી સાથે સાથે કંપની તરફથી કાર અને વિદેશની ટૂરની ગિફ્ટ અપાવવાની પણ લાલચ આપી હતી પરંતુ રોકાણ કર્યા બાદ રોકાણ પર કંઈ જ ન આપી ઠગાઈ કરનાર સાઢૂ જય કાકવાણી અને તેના ત્રણ મળતીયા વિરુદ્ધ આર્થિક ગુણ નિવારણ શાખાએ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. અમદાવાદના નાના ચિલોડા ખાતે રહેતા બંટી કનૈયાલાલ સંગતાણી ઘી કાંટા લક્ષ્મી વિષ્ણુ માર્કેટમાં રેડીમેડ કપડાંનો વેપાર કરે છે. બંટીએ ક્રાઈમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ 2022માં નાગપુરમાં રહેતા તેના સાઢૂ જય બલરામ કાકવાણીએ તેને ફોન કર્યો હતો. થોડી ઔપચારિક વાતો કરીને પોતે એક ડોક્સી કંપની શરૂ કરી હોવાનું જણાવ્યું હતું, જેમાં રોકાણ પર સારો નફો મળશે તેવી વાત પણ કરી હતી. આ રોકાણ અંગેની માહિતી માટે એક માણસ મોકલી આપવાની વાત કરી હતી.જોકે બંટીએ માણસ ન મોકલવાનું કહતાં, તેણે ફોન પર જ રોકાણની વિગતો સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.બંટી કોઈ કામ માટે નાગપુર જવાનું હોવાથી ત્યારે જ મળવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
બંટી જ્યારે નાગપુર પહોંચ્યો ત્યારે તેના સાઢૂ જય કાકવાણીએ તેના સાથીદાર નામદેવ રાજકુમાર મીરાણી સાથે મુલાકાત કરાવી હતી, જેણે કંપનીના જુદા જુદા બ્રોશર બતાવ્યા હતા અને કંપની દ્વારા ગિફ્ટમાં આપવામાં આવતી કાર અને વિદેશ ટૂરની વાતો કરી હતી.નામદેવની વાતોમાં આવીને બંટીએ રોકાણ કરવાની તૈયારી બતાવી હતી અને કંપનીમાં તેનું આઈડી બનાવવામાં આવ્યું હતું.ત્યાર બાદ જય કાકવાણીએ તેના બીજા બે સાથીદારો સંજય હેમરજાની અને નિખિલ તવલેની મુલાકાત કરાવી હતી. તેમણે પણ કંપનીના નફાની વાતો કરી હતી.પાંચ લાખના રોકાણ પર બંટીને ઓનલાઈન સારો નફો બતાવવામાં આવ્યો હતો, જોકે બંટી રૂપિયા વિથડ્રો કરી શકતો નહોતો. થોડા દિવસ બાદ જય કાકવાણીએ કંપની દ્વારા મોટી સ્કીમ લોન્ચ કરી હોવાનું જણાવ્યું હતું, જેમાં અઢી કરોડનું રોકાણ કરવામાં આવે તો ખુબ જ સારું વળતર મળશે તેમ જણાવ્યું હતું. જેને પગલે ટુકડે ટુકડે બંટીએ 2.18 કરોડ રૂપિયા આપ્યા હતા. જેના નફા પેટે જય કાકવાણી અને તેના સાથીદારોએ 13 લાખ ચુકવ્યા હતા.ત્યાર બાદ બાકીના 2.05 કરોડ પર નફો કે મૂડી કંઇ જ નહિ ચુકવી બંટીને ચુનો લગાવ્યો હતો. જે અંગે બંટીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.