31 ઓક્ટોબર, 2025: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસરે મધ્ય પ્રદેશના સતનામાં મોટો હોબાળો થયો હતો. સ્થાનિક સાંસદ ગણેશ સિંહ ફૂલની માળા અર્પણ કરવા માટે સ્ટ્રીટ લાઇટના હાઇડ્રોલિક વાહન (બકેટ લિફ્ટ) દ્વારા હવામાં અધ્ધર ગયા હતા, પરંતુ બકેટ અચાનક અટકી જતાં તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયા હતા. આ અસહજ સ્થિતિથી રોષે ભરાયેલા સાંસદે નીચે હાજર પાલિકાના કર્મચારીને લાફો માર્યો હતો, જેનો વીડિયો હવે વાઈરલ થઈ રહ્યો છે.
ગુસ્સે ભરાયેલા સાંસદે કર્મચારીને માર્યો લાફો
આ ઘટના અને અફરાતફરીથી રોષે ભરાયેલા સાંસદ ગણેશ સિંહે નીચે ઊભેલા પાલિકાના કર્મચારી પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો. સાંસદે નીચે હાજર પાલિકાના વાહનકર્મીને ખેંચીને લાફો મારી દીધો.
ઘણી મહેનત બાદ સાંસદ અને તેમના સાથીઓ સુરક્ષિત રીતે નીચે ઉતરી શક્યા હતા. આ દરમિયાન, ઘટનાસ્થળે હાજર ભીડે પણ પાલિકાકર્મી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સાંસદનું આ કૃત્ય હવે સ્થાનિક રાજકારણ અને વહીવટી વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.