
ગુજરાતમાં આવકવેરા વિભાગે દિવાળીની બોણી કરી હોય તેમ તહેવારો પછીનું પ્રથમ દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વાપી તથા દાહેજમાં જમીનના ધંધા સાથે સંકળાયેલ બે ગ્રુપને નિશાન બનાવવામાં આવ્યા હતા. એકાદ ડઝનથી વધુ સ્થળોએ તપાસ કાર્યવાહીના આધારે કરોડો રૂપિયાની ટેક્સચોરી બહાર આવવાની આશંકા છે. આવક્વેરા વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે વાપીના જમીનનું ધંધાર્થી ગેલેક્સી ગ્રુપ તથા દાહેજમાં પાયલ પ્રોપર્ટીઝ ગ્રુપ પર સવારથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સંચાલકોની ઓફીસ-નિવાસસ્થાન જેવા સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા. કાર્યવાહી બે દિવસ ચાલવાની શક્યતા છે. દરોડા કાર્યવાહીને પગલે બિલ્ડરલોબી તથા જમીનના અન્ય ધંધાર્થીઓમાં ફફડાટ સર્જાયો હતો. દરોડાની પ્રાથમીક કાર્યવાહીમાં જ શંકાસ્પદ વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો મળી આવ્યા હતા. મોટી રકમની કરચોરી ખુલવાની આશંકા છે. ગુજરાતમાં દિવાળી પછીનુ આ પ્રથમ દરોડા ઓપરેશન છે. નાણાંકીય વર્ષના ટારગેટને વ્હેલીતકે સિદ્ધ કરવા આવકવેરા વિભાગે અગાઉથી જ એક્શન ચાલુ કરી દીષાનુ મનાય છે.