
ગુજરાતભરમાં ભારે ચકચાર મચાવનાર તથ્ય પટેલ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વનો આદેશ જારી કર્યો છે. સર્વોચ્ચ અદાલતે ટ્રાયલ કોર્ટને આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ ત્રણ સપ્તાહની અંદર તહોમતનામું (ચાર્જ ફ્રેમ) ઘડવાનો અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે સાક્ષીઓની તપાસની પ્રક્રિયા શરૂ કરવાનો હુકમ કર્યો છે. આ આદેશથી છેલ્લા અઢી વર્ષથી પડતર રહેલા ટ્રાયલના પ્રારંભિક તબક્કાનો માર્ગ મોકળો થયો છે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ સતીષ ચંદ્ર શર્માની ખંડપીઠે આ આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ કેસ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પેન્ડિંગ ફોજદારી પરચૂરણ અરજી ચાર્જ ફ્રેમની પ્રક્રિયામાં અવરોધરૂપ નહીં બને. હાઇકોર્ટ તેની રીતે તે અરજીની સુનાવણી કરી શકશે. મુખ્ય આરોપી તથ્ય પટેલ દ્વારા દાખલ કરાયેલી પિટિશનની સુનાવણી દરમિયાન આ આદેશ અપાયો હતો અને કેસની વધુ સુનાવણી ડિસેમ્બરમાં મુકરર કરવામાં આવી છે.
આ કણ અકસ્માત 20 જુલાઈ, 2023 ની મોડી રાત્રે થયો હતો. આરોપી તથ્ય પ્રજ્ઞેશ પટેલ, તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અને મિત્રો સાથે જેગુઆર કારમાં 142 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની બેફામ ગતિએ ડ્રાઇવિંગ કરીને ઇસ્કોન બ્રિજ પર એકસાથે 9 નિર્દોષ નાગરિકોને કચડી નાખ્યા હતા, જ્યારે 13થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને ગુજરાત સરકારે આ કેસનો ટ્રાયલ એક મહિનામાં પૂર્ણ કરવાની અને આરોપીઓને સખતમાં સખત સજા કરવાની જાહેરાત કરી હતી. પોલીસે માત્ર એક સપ્તાહમાં જ તથ્ય પટેલ અને તેના પિતા વિરુદ્ધ 1,684 પાનાનું દળદાર ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ કર્યું હતું. જોકે, ઝડપી પોલીસ કાર્યવાહી છતાં, ટ્રાયલ કોર્ટમાં કેસનો સૌથી મહત્ત્વનો ચાર્જ ફ્રેમ કરવાનો તબક્કો છેલ્લા અઢી વર્ષથી થઈ શક્યો નહોતો, જેના કારણે પીડિત પરિવારોમાં નારાજગી વ્યાપેલી હતી. સુપ્રીમ કોર્ટના આ કડક આદેશ બાદ, હવે ટ્રાયલ કોર્ટ દ્વારા આગામી મુદતે, 18મી નવેમ્બરે, આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ચાર્જ ફ્રેમ થવાની પૂરી સંભાવના છે. પોલીસે આ કેસમાં 8 સાક્ષીઓના કલમ-164 મુજબના નિવેદનો, 191 અન્ય સાક્ષીઓના નિવેદનો અને 15 દસ્તાવેજી પુરાવા ચાર્જશીટમાં રજૂ કર્યા છે.