રનવે પર લેન્ડ થતાં જ અગનગોળો બન્યું પ્લેન, ક્રેશ થયા પછી તરત જ વિમાનમાં લાગેલી આગ ઓલવાઈ ગઈ હતી, પરંતુ વિમાન બળીને રાખ થઈ ગયું

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક પ્લેન રનવે પર લેન્ડ થતાંની સાથે જ અગનગોળો બનતું જોવા મળે છે, જોકે આ વીડિયો કાંગોના એરપોર્ટનો હોવાનું સામે આવ્યું છે. આ પ્લેનમાં કાંગોના એક સરકારી મંત્રી સહિત 20 લોકોનું પ્રતિનિધિમંડળ પણ સામેલ હતું. આ દુર્ઘટના કાંગોના કોલવેજી એરપોર્ટ પર બની હોવાનું સામે આવ્યું છે. આ વિમાનમાં ખાણકામમંત્રી લુઈસ વાટુમ કબામ્બા અને લગભગ 20 લોકોનું પ્રતિનિધિમંડળ સવાર હતું. એરપોર્ટ પર લેન્ડ થતાંની સાથે જ વિમાન ક્રેશ થયું અને એમાં આગ લાગી ગઈ. અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના ખાણકામમંત્રીના પ્રતિનિધિમંડળને લઈ જતું એક વિમાન લુઆલાબા જિલ્લાના કોલ્વેઝી એરપોર્ટ પર લેન્ડ થતી સમયે ક્રેશ થયું હતું. વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાન લેન્ડ થતાં જ એમાં આગ લાગી ગઈ હતી અને એવું માનવામાં આવે છે કે ટેક્નિકલ ખામીને કારણે એર જેટ એંગોલાન એરલાઇન્સનું વિમાન જે લુબુમ્બાશીથી ઉડાન ભરી રહ્યું હતું એ ક્રેશ થયું. ક્રેશ થયા પછી તરત જ વિમાનમાં લાગેલી આગ ઓલવાઈ ગઈ હતી, પરંતુ વિમાન બળીને રાખ થઈ ગયું હતું.
વીડિયોમાં આગની જ્વાળાઓમાંથી ભયંકર ધુમાડો નીકળતો જોઈ શકાય છે, જ્યારે મજૂરો પાણીના પાઇપ વડે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજા એક વીડિયોમાં ગભરાયેલા મુસાફરો વિમાનમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જેમાંથી લોકો ગભરાટમાં પડી પણ જાય છે. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે આ ભયાનક ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. બધા ક્રૂ-સભ્યો અને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં ખાણકામ મંત્રી સહિત આશરે 20 લોકો સવાર હતા, જોકે અકસ્માતનો વીડિયો હૃદયદ્રાવક છે. એક વીડિયોમાં લોકો ક્રેશ થયેલા વિમાનમાંથી બૂમો પાડતા અને બહાર આવતા જોવા મળે છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, કોંગોના લુઆલાબા પ્રાંતમાં કાલોન્ડો ખાણમાં એક દિવસ પહેલાં એક મોટી દુર્ઘટના બની હતી, જેમાં આશરે 30થી 32 લોકો માર્યા ગયા હતા. કોંગોના ખાણમંત્રી લુઈસ વાટુમ કબામ્બા તેમના પ્રતિનિધિમંડળ સાથે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા. કોલ્વેઝી એરપોર્ટ (KWZ) પર ઉતરાણ કરતી વખતે વિમાન ક્રેશ થયું. બધા મુસાફરો અને ક્રૂ-સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વિમાનમાં આગ લાગી હતી. આગ કાબૂમાં આવી હોવા છતાં વિમાનને બચાવી શકાયું ન હતું. સરકારે આ મામલાની તપાસના આદેશ આપ્યા છે.