
રવિવારે મોડીરાત્રે સાઉદી અરેબિયાના મક્કા-મદીના હાઇવે પર બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા 45 ભારતીય નાગરિકોના મૃતદેહ ભારત પરત મોકલવામાં આવશે નહીં. સાઉદી વહીવટીતંત્રે ભારતીય દૂતાવાસને સ્પષ્ટતા કરી છે કે તમામ મૃતદેહોને સ્થાનિક કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. મક્કાથી મદીના જઈ રહેલી ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ રસ્તાની બાજુમાં ઊભી હતી ત્યારે પાછળથી આવતા એક ફ્યૂઅલ ટેન્કરે બસને ટક્કર મારી દીધી. મોટા ભાગના મૃતકો હૈદરાબાદના હતા.
મક્કા-મદીના ક્ષેત્રમાં મૃત્યુ પામેલા મુસ્લિમ યાત્રાળુઓને દફનાવવા એ એક ધાર્મિક અને વહીવટી પરંપરા છે. મોટા ભાગના મૃતદેહો એટલા ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ થઈ શકતી નથી. સાઉદી અધિકારીઓના મતે, આવા અકસ્માતોમાં ગંભીર રીતે બળી ગયેલા મૃતદેહોને ભારતમાં મોકલવા એ સલામતી અને આરોગ્યના નિયમો વિરુદ્ધ છે. આ અકસ્માત રવિવારે ભારતીય સમય (IST) મુજબ મોડીરાતે 1:30 વાગ્યે મદીનાથી લગભગ 25 કિલોમીટર દૂર મુહરાસ નજીક થયો હતો. એ સમયે ઘણા મુસાફરો ઊંઘી રહ્યા હતા, જેથી તેમને પોતાનો બચાવ કરવાની કોઈ તક મળી નહીં.
સાઉદી અરેબિયામાં માર્ગ અકસ્માતો માટે કોઈ સીધું સરકારી વળતર નથી. વળતર ફક્ત ત્યારે જ આપી શકાય છે જો પોલીસ તપાસમાં ટેન્કર ડ્રાઈવર અથવા કંપની દોષિત સાબિત થાય અને પરિવાર કાનૂની દાવો દાખલ કરે. આ પ્રક્રિયા મહિનાઓ સુધી ચાલી શકે છે, તેથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક નાણાકીય સહાય મળવાની શક્યતા ઓછી છે. મૃતકોમાં 18 મહિલા, 17 પુરુષ અને 10 બાળકનો સમાવેશ થાય છે.
આ અકસ્માતમાં ફક્ત એક જ વ્યક્તિ બચી ગઈ છે. તેની ઓળખ મોહમ્મદ અબ્દુલ શોએબ (24) તરીકે થઈ છે, જે ડ્રાઈવરની બાજુમાં બેઠો હતો. શોએબ પણ ભારતીય છે. અકસ્માત બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકોમાંથી અઢાર લોકો એક જ પરિવારના હતા, જેમાં નવ બાળકો અને નવ પુખ્ત વયના લોકોનો સમાવેશ થાય છે. આ પરિવાર હૈદરાબાદનો હતો અને 22 નવેમ્બરે ભારત પરત ફરવાનો હતો.
હૈદરાબાદ પોલીસના જણાવ્યા અનુસાર, 9 નવેમ્બરના રોજ 54 લોકો હૈદરાબાદથી સાઉદી અરેબિયા ગયા હતા. તેઓ 23 નવેમ્બરના રોજ પાછા ફરવાના હતા. આમાંથી ચાર લોકો રવિવારે કાર દ્વારા અલગથી મદીના ગયા હતા, જ્યારે અન્ય ચાર લોકો મક્કામાં રોકાયા હતા. અકસ્માતગ્રસ્ત બસમાં 46 લોકો સવાર હતા. તેલંગાણા સરકારે કહ્યું હતું કે તે રિયાધમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે. રાજ્ય સરકારે પીડિતો માટે પ્રત્યેકને ₹5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ દિલ્હીના અધિકારીઓને પીડિતોની ઓળખ અને અન્ય ઔપચારિકતાઓમાં મદદ કરવા માટે દૂતાવાસ સાથે નજીકથી સંકલન કરવાનો નિર્દેશ આપ્યો છે.
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સાઉદી અરેબિયામાં ભારતીય ઉમરાહ યાત્રાળુઓ સાથે થયેલી બસ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. સરકારી સમાચાર એજન્સી સાથે ફોન પર વાત કરતાં ઓવૈસીએ કહ્યું હતું કે તેમણે હૈદરાબાદમાં બે ટ્રાવેલ એજન્સીઓનો સંપર્ક કર્યો છે અને મુસાફરોની માહિતી રિયાધમાં ભારતીય દૂતાવાસ સાથે શેર કરી છે. તેમણે રિયાધમાં ભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન (ડીસીએમ) અબુ મથાન જ્યોર્જ સાથે પણ વાત કરી. જ્યોર્જે તેમને જણાવ્યું કે સ્થાનિક અધિકારીઓ પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં અપડેટ આપવામાં આવશે. ઓવૈસીએ કહ્યું-“હું કેન્દ્ર સરકારને, ખાસ કરીને વિદેશમંત્રી જયશંકરને અપીલ કરું છું કે તેઓ મૃતદેહોને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત લાવે”.
પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે સાઉદી બસ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. એક પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે રિયાધમાં વાણિજ્ય દૂતાવાસ તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. “મદીનામાં ભારતીય નાગરિકો સાથે થયેલી દુર્ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. મારી સંવેદના એ પરિવારો સાથે છે, જેમણે પોતાનાં પ્રિયજનો ગુમાવ્યાં છે. અમારા અધિકારીઓ સાઉદી અરેબિયાના અધિકારીઓ સાથે સંપર્કમાં છે.” વિદેશમંત્રી એસ. જયશંકરે સાઉદી અરેબિયામાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું, “મદીનામાં ભારતીય નાગરિકો સાથે થયેલા અકસ્માતથી ભારે આઘાત લાગ્યો છે.” રિયાધમાં અમારું દૂતાવાસ અકસ્માતથી પ્રભાવિત ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને સંપૂર્ણ સહાય પૂરી પાડી રહ્યું છે.