
મહેસાણા જિલ્લા પોલીસ બેડામાં અચાનક મોટો હડકંપ મચી ગયો છે. જિલ્લા પોલીસ વડા દ્વારા એકસાથે 747 પોલીસકર્મીની આંતરિક બદલીઓનો આદેશ કરવામાં આવ્યો છે. આટલી મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની એકસાથે બદલી થતાં જિલ્લાભરમાં આ નિર્ણય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી મહેસાણા જિલ્લામાં અનેક વિવાદો ચાલી રહ્યા છે. આ સામૂહિક બદલીથી પોલીસ વિભાગમાં કહી ખુશી, કહી ગમ જેવો માહોલ સર્જાયો છે. ખાસ કરીને હાલમાં મહેસાણા જિલ્લામાં SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા પકડાયેલા દારૂના મોટા જથ્થાને લઈને પોલીસ વિભાગ વિવાદના વમળોમાં ઘેરાયેલો છે. આ દારૂના વિવાદ વચ્ચે જ SP દ્વારા સાગમટે 747 પોલીસકર્મીની બદલી કરવાનો નિર્ણય લેવાતા આ બદલીઓને દારૂના વિવાદ સાથે જોડીને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં કરાયેલી બદલીઓ પાછળ વહીવટી કારણોની સાથે-સાથે જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો લાવવાનો અને વિવાદિત પ્રવૃત્તિઓ પર લગામ કસવાનો હેતુ પણ હોઈ શકે છે, જેના કારણે જિલ્લા પોલીસ બેડામાં હાલ તંગદિલી અને આશ્ચર્યનો માહોલ છે.
SP હિમાંશુ સોલંકીએ કહ્યુ,”જિલ્લામાં લાંબા સમયથી એકજ જગ્યા પર 5 અને 3 વર્ષ થયાં છતાં જે પોલીસકર્મીઓની બદલી નહોતી થઈ, તેની બદલી કરાઈ છે. બદલી માટેનું આયોજન પાછલા 15 દિવસથી ચાલી રહ્યું હતું, જેનો ઓર્ડર કાલે રાત્રે કરવામાં આવ્યો છે. બીજું કે કોઈ પોલીસકર્મીઓને કોઈ તકલીફ હોય તો એમની રજૂઆત સાંભળી બીજી જગ્યા પર જવું હોવાથી તેનો ઓઆર પણ કાલે રાખ્યો હતો. બીજી કોઈ કારણ નથી”.