
ભાવનગર શહેરના સુભાષનગર ચોક પાસે મોડી રાત્રે પાંચ શખ્સોએ રીક્ષા ચાલક પર છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરતા રીક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ અંગે રીક્ષા ચાલક ની પત્નીએ ઘોઘા રોડ પોલીસ મથકે પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ઉર્મિલાબેન જીગ્નેશભાઈ રાઠોડ રહે.સુભાષનગર, પ્રધાનમંત્રી આવાસ યોજના, ભાવનગર એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પતિ જીગ્નેશ પ્રવીણભાઈ રાઠોડ રીક્ષા ડ્રાઇવિંગ કરે છે તા.19/11/2025 ના રોજ તેમના ફ્લેટમાં રહેતા રવિ અને આકાશે તેમના ઘર બહાર રાખેલા ફૂલછોડના કુંડા તોડી નાખ્યા હતા. આ બાબતે ઠપકો આપતા બપોરે 3:30 વાગ્યા આસપાસ રવિ અને આકાશે ઉર્મિલાબેન, તેમના માતા ભાવનાબેન અને ભાઈ રોહિત સાથે મારામારી કરી હતી, જેમાં તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી અને સર ટી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
ત્યારબાદ સાંજે 8:30 વાગ્યે સારવાર કરાવી ઉર્મિલાબેન, તેમના પતિ જીગ્નેશભાઈ, ભાઈ રોહિત અને માતા ભાવનાબેન સુભાષનગર ભગવાનેશ્વર મંદિર પાસે પહોંચ્યા હતા. ત્યાં રોડ પર હાજર આકાશ અને રવિએ તેમને રોકી ગાળો આપવાનું શરૂ કર્યું. ગાળો દેવાની ના પાડતા આકાશે લોખંડના પાઇપ વડે જીગ્નેશભાઈના માથામાં ઘા માર્યો હતો. તે જ સમયે, રવિએ છરી વડે જીગ્નેશભાઈની પીઠના ભાગે હુમલો કર્યો. આ ઉપરાંત, રોહન રાજુભાઈ પરમાર, રોહિત ઉર્ફે ભોટી રાજુભાઈ પરમાર અને રોનક ઉર્ફે નાનું રાજુભાઈ પરમાર પણ ત્યાં આવી પહોંચ્યા હતા. રોહનના હાથમાં પણ છરી હતી, જેનો એક ઘા તેણે જીગ્નેશભાઈની પીઠમાં માર્યો. રોહિત ઉર્ફે ભોટી અને રોનકના હાથમાં લાકડાના ધોકા હતા, જેના વડે તેઓએ જીગ્નેશભાઈને માર માર્યો હતો. ઉર્મિલાબેન અને તેમના ભાઈ રોહિત વચ્ચે પડતા તેમને પણ મુંઢમાર મારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ ધમકી આપી હતી કે જો તેઓ માથાકૂટ કરશે તો જાનથી મારી નાખશે. આ ઝપાઝપીમાં રોહિતનો ચાંદીનો ચેન પણ પડી ગયો હતો.
ગંભીર રીતે ઘાયલ જીગ્નેશભાઈને 108 એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને માથામાં ગંભીર ઈજા થઈ છે જ્યાં ટાંકા લેવામાં આવ્યા છે, અને પીઠના ભાગે પણ ગંભીર ઈજા થતાં ડોકટરોએ ઓપરેશન કરવાનું જણાવ્યું છે અને તેમને એસ.આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર અપાઈ રહી છે. ઉર્મિલાબેને રોહન રાજુભાઈ પરમાર, રોહિત ઉર્ફે ભોટી રાજુભાઈ પરમાર, રોનક ઉર્ફે નાનુ રાજુભાઈ પરમાર, રવિ તથા આકાશ પાંચેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.