
રાજ્યમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 200ને પાર થતાં હવા ઝેરી બની છે, જે ગુણવત્તાને ‘ખરાબ’ શ્રેણીમાં મૂકે છે. મુખ્ય શહેરોમાં અમદાવાદમાં AQI 240 અને વડોદરામાં AQI 220 નોંધાયો છે, જે લોકોનાં સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે. પ્રદૂષણના ઊંચા સ્તરને જોતાં નાગરિકોને બીમારીઓથી બચવા માટે માસ્ક પહેરવાની અને ખાસ કરીને હવામાં પ્રદૂષણ વધુ હોય એવા સમયગાળા, જેમ કે વહેલી સવારે અને રાત્રે બહાર જવાનું ટાળવું જોઈએ. અમદાવાદમાં શિયાળાની શરૂઆત સાથે જ હવામાનમાં પ્રદૂષણનો સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આજે પણ શહેરમાં વહેલી સવારે AQI 240 નોંધાયો હતો, જે સિવિયર કન્ડિશનમાં પહોંચી ગયો હતો. વેબસાઇટ મુજબ નવેમ્બર મહિનામાં પણ પ્રદૂષણનો વધતો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. દિવાળી બાદ છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં AQI 200થી વધુ નોંધાતાં શહેરની હવાની ગુણવત્તા ઘટતી જોવા મળી છે, જોકે ઓક્ટોબર મહિનામાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી. ખાસ કરીને દિવાળી બાદના દિવસોમાં AQIમાં તેજ વધારો જોવા મળ્યો હતો. વડોદરા શહેરમાં પણ એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થઈ રહ્યો છે, જે હવામાં પ્રદૂષણના સ્તરનો વધારો દર્શાવે છે. 21 નવેમ્બરે સૌથી વધુ 220 AQI નોંધાયો હતો. સુરતમાં અમદાવાદ અને વડોદરાની સરખામણીએ AQIનો સ્તર ઓછો છે, જોકે 21 નવેમ્બરે સુરતમાં સવારે AQI 206એ પહોંચ્યો હતો.
રાજકોટમાં પણ છેલ્લા અઠવાડિયા દરમિયાન 150ને પાર AQI પહોંચ્યો છે. 21 નવેમ્બરે રાજકોટમાં સૌથી વધુ 204 AQI નોંધાયો હતો, જે છેલ્લાં પાંચ વર્ષમાં નવેમ્બર મહિનામાં સૌથી વધુ છે. એમડી મેડિસિન ડોક્ટર સહલ શાહે જણાવ્યું હતું કે છેલ્લાં ઘણાં વર્ષોમાં AQIમાં અમદાવાદ શહેરમાં ખૂબ જ ફેરફાર જોવા મળી રહ્યા છે, ખાસ કરીને શિયાળાની ઋતુમાં AQIમાં ખૂબ વધારો જોવા મળતો હોય છે. આ AQI ઘણીવાર અનહેલધી અને સિવિયર કન્ડિશનમાં પહોંચી જતો હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. AQI વધવાને પાછળ વાહનોનો ધુમાડો કન્સ્ટ્રક્શન સાઇટ રોડ રસ્તાની ડસ્ટ અને બીજા એન્વાયર્નમેન્ટલ ફેક્ટર જવાબદાર હોય છે. તેમણે વધુમાં આનાથી બચવા માટે પણ જણાવ્યું હતું કે આપણે રેગ્યુલર AQIને ચેક કરતા રહેવું જોઈએ. જો AQI 150થી વધુ હોય તો બને એટલું ઘરની બહાર જવું ટાળવું જોઈએ. વૃદ્ધ બાળકો અને પ્રેગ્નટ મહિલાઓ અને શ્વાસના દર્દીઓને ઘરની બહાર જવું ટાળવું જોઈએ. જ્યારે પણ ઘરની બહાર નીકળવાનું થાય છે ત્યારે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. વાતાવરણના પીએમ 2.5ના કણો સિમ્પલ કપડાના માસ્કથી રોકી શકાતા નથી, જેથી n95 માસ્ક પહેરવું જોઈએ.