બનાસકાંઠા જીલ્લા શિક્ષણ સમિતિએ ગત મહિને જાહેર નોટીસ ફટકારી 19 શિક્ષકો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 7 દિવસની અંદર જવાબ આપવાનું કહ્યા બાદ સમયગાળો પુર્ણ થતાં રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. નોકરીની જરૂર નથી તેવા વર્ષોથી ગેરહાજર કુલ 19 શિક્ષકોને સસ્પેન્ડ કરવાનું નક્કી થયુ છે. આગામી ટુંક સમયમાં નિર્ણય લઇ કાર્યવાહી કરવાની તૈયારી જોતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે.
બનાસકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્રારા 17 શિક્ષિકા અને 2 શિક્ષક સહિત 19 વિરૂધ્ધ સસ્પેન્શનના ઓર્ડર છુટી શકે છે. ગત દિવસોએ ડીપીઇઓ કચેરી દ્રારા જાહેર માધ્યમોમાં 19 શિક્ષકોને જાહેર નોટીસ આપ્યાનું સામે આવ્યુ હતુ. જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી મંજુરી વિના સતત ગેરહાજર રહેતા હોવાનું ધ્યાને આવતાં ખુલાસો પુછવામાં આવ્યો હતો. 7 દિવસમાં જવાબ રજૂ કરવા થયેલ આદેશ બાદ કેટલાક શિક્ષકે પોતાનો પક્ષ મુક્યો છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, અનેક શિક્ષિકાઓએ શિક્ષણ સમિતિ નોટીસને અવગણી ખુલાસો રજૂ નહિ કરતા હડકંપ મચી ગયો છે. આવી સ્થિતિમાં 19 શિક્ષકો વિરૂધ્ધ સસ્પેન્ડ કરવા સુધીની તૈયારી કરવામાં આવી છે. સમગ્ર મામલે ડીપીઇઓ પ્રજાપતિએ જણાવ્યુ હતુ કે, સસ્પેન્ડ કરવાનું નક્કી થયુ છે પરંતુ માત્ર નિર્ણય લેવાનો બાકી હોવાથી ટુંક સમયમાં આગામી કાર્યવાહી થશે. ઉલ્લેખનિય છે કે, 15 થી વધુ શિક્ષિકાઓને સામાજીક સહિતના કારણોસર સરકારી નોકરીની જરૂર ન હોવાથી ગેરહાજર છે. જોકે રાજીનામું નહિ આપતા શિક્ષણ સમિતિએ નિયમોનુસાર કાર્યવાહી શરૂ કરી છે.