યુદ્ધમાં શહીદ સૈનિકોના પરિવારજનોને આપવામાં આવતી આર્થિક મદદ વધારવાની સરકારે મંજુરી આપી છે. રિપોર્ટ્સ પ્રમાણે રક્ષામંત્રી રાજનાથ સિંહે સેનાની માંગની સ્વિકાર કરતા યુદ્ધમાં શહીદ સૈનિકોના પરિવારને આપવામાં આવતી આર્થિક મદદ હાલની 2 લાખ રૂપિયાથી વધારીને 8 લાખ રૂપિયાના પ્રસ્તાવને સૈદ્ધાંતિક સ્વીકૃતિ આપી દીધી છે. આ પ્રકારે જોવામાં આવે તો સરકારે આર્થિક મદદમાં 4 ગણો વધારો કર્યો છે.
અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, આ આર્થિક સહયોગ યુદ્ધમાં શહીદ સૈનિકો માટે બનાવવામાં આવેલા સૈનિક કલ્યાણ નિધી(ABCWF) હેઠળ આપવામાં આવશે. હાલ યુદ્ધમાં શહીદ થનારા અને 60% અથવા તેનાથી વધારે અપંગતા થવા સિવાય ઘણી જુદી-જુદી શ્રેણી હેઠળ આવનારા સૈનિકોને બે લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ મદદ પેંશન, સેનાની સામુહિક વિમા, સેના કલ્યાણ નિધી અને અનુગ્રહ રકમ સિવાય આપવામાં આવે છે.
રક્ષા મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું કે, રક્ષામંત્રીએ યુદ્ધમાં શહીદ અને ઈજાગ્રસ્ત દરેક શ્રેણીના પરિવારજનોને આપવામાં આવતી આર્થિક સહાયતા 2 લાખથી વધારીને 8 લાખ રૂપિયા કરવાની સૈદ્ધાંતિક સ્વિકૃતિ આપી.