
વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએએલઓ સહાયક તરીકેની કામગીરી કરતાં એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. BLO સહાયક કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યાં હતાં. ત્યાર બાદ હોસ્પિટલમાં ખસેડાતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં. રાજ્યમાં 4 દિવસમાં 4નાં મોત થયાં છે. મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી (ઉં.વ. 50) છે, જેઓ ગોરવા મહિલા આઇટીઆઇ (ITI)ખાતે નોકરી કરતાં હતાં અને આજે સવારે કડક બજારમાં આવેલી પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતાં. ઉષાબેન સહાયક કામગીરી કરતાં હતાં એ દરમિયાન અચાનક ઢળી પડ્યાં હતાં. ત્યાર બાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. મળતી માહિતી મુજબ, ઉષાબેન સોલંકી મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાનાં વતની હતાં અને હાલમાં વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતાં હતાં. હાલમાં પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહ ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે કે મોતનું સાચું કારણ શું, પરંતુ હાલમાં હાર્ટ-એટેકની આશંકા છે. આ કરુણ ઘટનાથી તેમના સહકર્મીઓ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.