મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 545 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ

Spread the love

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે (22 નવેમ્બર) રાજકોટની મુલાકાતે હતા. તેમણે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ. 545 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હળવો અંદાજ જોવા મળ્યો હતો. તેમણે મંચ પરથી લોકોને પૂછ્યું કે, ‘કેટલા વાગ્યાના બેસાડ્યા છે?’ જેના જવાબમાં લોકોએ ‘9 વાગ્યાના બેઠા છીએ’ તેમ જણાવ્યું હતું. આ સાંભળીને મુખ્યમંત્રીએ તુરંત માફી માંગી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યમાં થઈ રહેલા વિકાસ કાર્યો અને બદલાયેલી રાજનીતિની પેટર્ન પર ભાર મૂક્યો હતો. અને જણાવ્યું હતું કે, બિહાર જેવા બિહારને પણ હવે સમજાઈ ગયું છે કે, વિકાસ અને માત્ર વિકાસની જ રાજનીતિ શક્ય છે. ભૂતકાળમાં ચૂંટણી સમયે વાતો થાય અને ત્યારબાદ કામ થયું એટલું થયું ત્યાં સુધીમાં નવી ચૂંટણી આવી જતી હતી. પરંતુ નરેન્દ્ર મોદીના શાસનમાં આ પેટર્ન બદલાઈ છે, જે વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અમે કરીએ છીએ, તે વિકાસકાર્યોના લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. રાજ્યમાં શહેરી વિકાસ પાછળના ખર્ચની વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શહેરી વિકાસનું બજેટ અગાઉ 24 હજાર કરોડનું હતું, જે વધારીને 30 હજાર કરોડ રૂપિયાનું કરવામાં આવ્યું છે. તેમણે ગુણવત્તાયુક્ત કામગીરી પર ભાર મૂકતા કહ્યું કે, હવે જે કામ આપણે કરીએ છીએ તે ક્વોલિટીવાળું થાય તેના પર ભાર મૂકીએ છીએ. આવાસ યોજનાઓ વિશે તેમણે કહ્યું કે, હવે જે આવાસ યોજના બને છે તે પ્રાઇવેટ બિલ્ડરો બનાવે તેવી સરકાર આવાસના ક્વાર્ટર બનાવતી થઈ છે. મુખ્યમંત્રીએ રાજકોટ અને જિલ્લાની પાણીની વિકટ પરિસ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સૌથી વધુ પાણીની વિકટ સ્થિતિ રાજકોટ શહેર તેમજ જિલ્લાએ જોઈ છે. જ્યારે ટેન્કર અને ટ્રેનો ચાલતી હતી ત્યારે વડાપ્રધાન મોદીએ નર્મદાનું પાણી લાવવાનું વિચાર્યું હતું. જેને લઈ સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી મળતા થયા છે. આજે પણ પાણીની સુવિધાનો વધુ સારી રીતે લોકો સુધી પહોંચાડવા કામ થઈ રહ્યા છે. આજના આ કાર્યક્રમમાં કરોડો રૂપિયાના જે કામ છે, તેમાં સૌથી વધુ કામ પાણી માટેના સરકારે કર્યા છે. આ તકે મંત્રી જીતુ વાઘાણીએ પણ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે કોંગ્રેસના કાળમાં સૌરાષ્ટ્ર દુઃખી હતું. વિકાસથી દુઃખી, ગુંડાઓથી દુઃખી, લુખ્ખાઓથી દુઃખી હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *