ભચાઉના લાખાપરમાં ડૂબી જવાથી બે કિશોરનાં મોત, ભેંસો ચરાવવા સીમ વિસ્તારમાં ગયા

Spread the love

 

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં લાખાપર ગામમાં આજે એક દુઃખદ ઘટના બની છે, જ્યાં ગામના માલધારી પરિવારના બે કિશોર ગઈકાલે ભેંસો ચરાવવા સીમ વિસ્તારમાં ગયા હતા. મોડીરાત સુધી તેઓ પરત ન આવતાં શોધખોળ હાથ ધરાઈ હતી. આ દરમિયાન આજે વહેલી સવારે કિશોરોના ચંપલ તળાવ કાંઠેથી મળ્તાં તંત્રને જાણ કરાઈ હતી. ફાયર વિભાગની ટીમોએ ત્રણ કલાકની શોધખોળ બાદ બંનેના મૃતદેહ બહાર કાઢયા છે. આ દુ:ખદ ઘટના અંગે મળતી માહિતી મુજબ લાખાપર ગામના માલધારી પરિવારના 14 વર્ષીય કમલેશ બેચારભાઇ કોળી અને 13 વર્ષીય દલસુખ હરખાભાઇ કોળી નામના બે કિશોર ગઇકાલે ઘરેથી રાબેતા મુજબ પોતાની ભેંસો સહિતનો માલઢોર લઇને સીમ વિસ્તારમાં ચરાવવા ગયા હતા. સમયે ઘરે ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. પરિવારજનો અને ગ્રામજનોએ મોડીરાત સુધી સમગ્ર સીમ વિસ્તાર ખૂંદીને બંને કિશોરની શોધખોળ કરી હતી, પરંતું તેમની કોઈ ભાળ નહોતી મળી. આ દરમિયાન આજે વહેલી સવારે ગામના તળાવના કાંઠે બંને કિશોરના ચંપલ જોવા મળતાં તેઓ તળાવામાં ડૂબી ગયા હોવાની શંકાઓ ઊપજી હતી. બંને કિશોર તળાવમાં ડૂબી ગયા હોવાની શંકા જતાં ગ્રામજનોએ તરત તંત્રમાં જાણ કરતાં પોલીસકાફલા સાથે ફાયર વિભાગની ટીમો લાખાપર ગામ પહોંચી હતી અને કડકડતી ઠંડીમાં તેમની તળાવમાં શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન એક કિશોરનો મૃતદેહ બે કલાક બાદ અને બીજા કિશોરનો મૃતદેહ ત્રણ કલાકે મળ્યો હતો. આ અંગે ભચાઉ મામલતદાર એમ.કે. રાજપૂત સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે કિશોરો ગુમ થયા હોવાની અને તેમના ચંપલ તળાવ કાંઠેથી મળ્યા હોવાની અમને જાણ થતાં અમારી ટીમ લાખાપર પહોંચી હતી અને શોધખોળ કરતાં બંનેના મૃતદેહ મળ્યા હતા. આ અંગે વાઢિયા જૂથ ગ્રામપંચાયતના સરપંચ કૃષ્ણપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોળી પરિવારના કિશોરો ગઈકાલથી ગુમ થયા હતા. ભારે શોધખોળ બાદ આજે તેઓ તળાવમાં ડૂબી ગયા હોવાની માહિતી મળતાં પોલીસમાં જાણ કરાઈ હતી. બચાવ માટે નજીકના શિકારપુર ગામના મુસ્લિમ યુવકોની પણ મદદ લેવાઈ હતી. આ યુવકોએ કડકડતી ઠંડી વચ્ચે પાણીમાં બાળકોની શોધ કરી હતી. ગામની સીમમાં માલઢોર ચરાવવા ગયેલા બંને કિશોરનાં તળાવમાં ડૂબીને મોત થતાં બંનેનાં પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *