
21 નવેમ્બરની સાંજે 7:15 વાગ્યા આસપાસ સુરતના સરથાણામાં એક શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાંથી 28 વર્ષીય ફિઝિયોથેરપી ડોક્ટરે રાધિકાએ નીચે કૂદી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. આ મહિલા ડોક્ટરના બે મહિના બાદ લગ્ન થવાના હતા. ડો. રાધિકા અવારનવાર મંગેતર સાથે આ ચાય પાર્ટનર કાફેમાં આવતી હતી અને તેજ કાફેમાંથી તેણીએ કૂદીને જીવન ટૂંકાવ્યું છે. ડોક્ટર રાધિકાના આપઘાતના કેસમાં પોલીસ તપાસ દરમિયાન વ્હોટ્સએપ પર થયેલા મેસેજનું રહસ્ય બહાર આવ્યું છે. રાધિકાએ મંગેતરને વ્હોટ્સએપ પર મેસેજ કરી કહ્યું હતું કે, ‘નાની-નાની બાબત વિશે પેરેન્ટ્સને ન કહેવાય…’ આ સાથે બન્ને વચ્ચે વધુ વાત પણ થઈ હતી. આ મેસેજો પરથી જણાય છે કે, ડો. રાધિકા અને તેના મંગેતર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો હતો, જે કદાચ આ દુઃખદ ઘટનાનું મૂળ કારણ હોઈ શકે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, બંને વોઇસ કોલ અને વીડિયો કોલ થકી નિયમિત વાતચીત કરતા હતા. આપઘાત પહેલાં રાધિકા એકલી જ કાફે પર પહોંચી હતી અને ચા પણ પીધી હતી. આટલું જ નહીં, તેણે કાફેના કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી. તેમ છતાં, અચાનક જ માતા-પિતા અને પોતાના ઉજ્જવળ કરિયરને બાજુએ મૂકીને તેણે આ અંતિમ પગલું કેમ ભરી લીધું, જે અંગે હાલ પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.