
રાજકોટના કોઠારિયા રોડ પરના હુડકો ક્વાટર્સમાં રહેતા પ્રૌઢ નરેશભાઈ વ્યાસે નશાખોર હાલતમાં ઘરમાં જ ધમાલ મચાવતા તેના પુત્ર હર્ષે છરીના ઘા ઝીંકી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનામાં મૃતક પ્રૌઢના બહેન દ્વારા પોતાની ભાભી અને ભત્રીજા સામે ભક્તિનગર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે, પોલીસે કરેલી તપાસમાં ટ્વીસ્ટ આવ્યું છે અને માત્ર પુત્ર જ પિતાનો હત્યારો હોવાનું સાબિત થતા પોલીસે તેની ધરપકડ કરી છે. જ્યારે આ ઘટનામાં મૃતકની પત્નીનો કોઈ રોલ ન હોવાથી પોલીસે તેમની સામે કોઈ કાર્યવાહી કરી નથી. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, હુડકો ક્વાટર્સમાં રહેતા નરેશભાઈ નટવરલાલ વ્યાસ (ઉ.વ.56) ગુરૂવારે રાત્રે દારૂનો નશો કરીને ઘરે પહોંચ્યા હતા અને તેમની પત્ની સ્મિતાબેન સાથે માથાકૂટ શરૂ કરી હતી. પોતાની પાસે રહેલી છરીથી નરેશભાઈએ પત્ની પર હુમલો કરવાનો પ્રયાસ કરતાં પુત્ર હર્ષ વ્યાસે છરી આંચકી લઇ પિતા નરેશભાઈને જ છરીના ઘા ઝીંકી દીધા હતા અને નરેશભાઈનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. નરેશભાઈની હત્યા અંગે રેલનગરની દ્વારકેશ સોસાયટીમાં રહેતા તેમના બહેન વર્ષાબેન રમેશભાઈ પંડયાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે તેના ભાભી સ્મિતાબેન અને ભત્રીજા હર્ષ વ્યાસના નામ આપ્યા હતા પરંતુ, પોલીસ તપાસમાં માત્ર પુત્ર જ હત્યારો હોવાનું સામે આવ્યું છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનના તપાસનીશ અધિકારી ગોહિલે જણાવ્યું હતું કે, હત્યાની ઘટના બાદ પ્રાથમિક તપાસમાં હર્ષ વ્યાસે તેના પિતા નરેશભાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું ખુલ્યું છે. જેથી હર્ષ વ્યાસની ધરપકડ કરવામાં આવી છે. મૃતકના પત્ની સ્મિતાબેન હત્યા સમયે ઘટના સ્થળે હાજર હતા પરંતુ, હત્યામાં તેમનો કોઈ રોલ હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. જેથી, હત્યાના ગુનાની ફરિયાદમાં આરોપી તરીકે રહેલા સ્મિતાબેનનું નામ આરોપી તરીકે રદ કરવા આગામી દિવસોમાં સી સમરી ભરી દેવાશે.