વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર બરકતઅલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ

Spread the love

 

અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર બરકતઅલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. PI ચાવડાએ વિશાલા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની લિફટમાં યુવતીના ખભે હાથ મૂકી શારીરિક અડપલાં કર્યાં હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે. વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. PI હાલમાં ગાંધીનગર કંટ્રોલરૂમમાં ફરજ બજાવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ ઇન્સ્પેક્ટર બરકતઅલી ચાવડા સામે 19 વર્ષીય યુવતીએ શારીરિક અડપલાં કર્યાં હોવાનો આરોપ મૂક્યો છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે PI ચાવડાએ લિફ્ટમાં તેની સાથે અડપલાં કર્યાં હતાં અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. ગભરાઇ ગયેલી યુવતીએ અભયમ હેલ્પલાઇનને ફોન કર્યો હતો. ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બરકતઅલી ચાવડા લિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે એક યુવતી પણ સાથે હતી. લિફ્ટ બંધ થતાં જ ચાવડાએ યુવતીના ખભા પર હાથ મૂકીને અડપલાં કર્યાં હતાં. લિફ્ટ છઠ્ઠા માળે પહોંચી એ સમયે બીજી વ્યક્તિઓ લિફ્ટમાં આવતાં બરકત ચાવડા લિફ્ટમાંથી બહાર નીકળી ગયો હતો. બીજી બાજુ, ગભરાઈ ગયેલી યુવતીએ તાત્કાલિક 181નો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે યુવતીને પૂછપરછ કરી કાયદાકીય માહિતી આપી હતી. બાદમાં યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બરકતઅલી ચાવડા હાલમાં ગાંધીનગર કંટ્રોલરૂમમાં ફરજ બજાવે છે. અગાઉ તેઓ અમદાવાદ એસીબી અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા છે. પીઆઈ ચાવડા અગાઉ પણ આ પ્રકારના વિવાદમાં આવી ચૂક્યા છે. મળતી માહિતી અનુસાર, અગાઉ કચ્છમાં દુષ્કર્મની ફરિયાદ થઈ હતી, જ્યારે તેઓ PSI હતા, પરંતુ એમાં સમાધાન થઈ ચૂક્યું છે. વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ રણજિતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ચાવડા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *