ગુજરાતમાં અત્યારે સઘન મતદાર યાદી સુધારણા એટલે કે SIRની કામગીરી ચાલી રહી છે, ત્યારે રાજ્યના અનેક BLO કામગીરી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. BLO પર કામના ભારણનો મુદ્દો હાલ ઘણો ચર્ચામાં છે. વડોદરામાં એક BLOની તબિયત ફરજ દરમિયાન લથડી પડી અને તેમનું મોત થઈ ગયું. તો ગીર સોમનાથમાં એક BLOએ આત્મહત્યા કરી લીધી.
આ પછી આ મુદ્દો ખૂબ જ ઉછળ્યો છે. ત્યારે આ બધા જ વિવાદો વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં BLOએ પોતાની કર્તવ્ય નિષ્ઠા દર્શાવી છે.
છોટાઉદેપુરના કાચા રસ્તામાંથી થઈને BLO પોતાની કામગીરી કરી રહ્યા છે. પોતાની સાથે ઝેરોક્ષ મશીન લઈને BLO ફરજ બજાવી રહ્યાં છે. કાચા રસ્તા પર મોટરસાઈકલની પાછળ બેસી મહિલા BLO જુસ્સાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે.
હાલમાં ખાસ સઘન મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરી ચાલી રહી છે. જેમાં કોઈ લાયક મતદાર રહી નહીં જાય, અને કોઈ ગેરલાયક મતદાર સામેલ ન થાય, એ માટે દરેક મતદાન મથક પર BLO કામગીરી કરી રહ્યા છે. ત્યારે કુપ્પા મતદાન મથકના મહિલા BLO સાંકડીબારી ગામે SIRની કામગીરી કરવા પહોંચ્યા હતા. આ કામગીરી માટે મતદારોએ ઝેરોક્ષ અને ફોટો કોપી કઢાવવા 200 રૂપિયાનો ખર્ચ કરીને નસવાડી ન જવું પડે તે માટે BLO પોતાની સાથે ઝેરોક્ષ મશીન લઈને જઈ રહ્યા છે.તેમણે પોતાના ભાઈને પણ આ કામમાં પોતાની સાથે જોડ્યો છે.
તેઓ પોતાના ભાઈને સાથે લઈને મોટરસાઈકલ પર ઝેરોક્ષ મશીન લઈને પહોંચી રહ્યા છે. મોટર સાયકલ ડુંગર પર ન ચઢી શકે, એવી જગ્યાએ તેઓ ઝેરોક્ષ મશીન માથા પર મૂકીને SIRની કામગીરી કરી રહ્યા છે.ત્યારે હવે ગ્રામજનોએ BLOની કામગીરી બિરદાવીને તાત્કાલિક નવો રોડ બનાવવાની માગ કરી છે. સ્થાનિકોએ કહ્યું કે, BLOને પડેલી તકલીફ અમને રોજ પડી રહી છે. આ પ્રકારના રસ્તાના કારણે અનેક વખત પ્રસૂતા અને બીમાર લોકો હોસ્પિટલ પહોંચી શકતા નથી.
છોટીઉંમરથી સાંકડીબારી ગામને જોડતો કાચો રસ્તો હજુ પાકો બન્યો જ નથી. જેણે લઈને કાચા રસ્તાનું દુઃખ સરકારી કામગીરી કરનાર BLOને સહન કરવું પડ્યું હોય, ત્યારે કાચા રસ્તાનું દુઃખ સ્થાનિક લોકો દરરોજ કેટલું વેઠતા હશે… તે વિચારવું રહ્યું. જોકે ડુંગર વિસ્તારમાં નથી કોઈ અધિકારીઓ જતા કે નથી કોઈ ચૂંટાયેલા નેતા. ત્યારે નાનાં કર્મચારીઓ આ રીતે માથે મશીન મૂકી ડુંગરા ચઢીને પણ નિષ્ઠા પૂર્વક SIRની કામગીરી કરી રહ્યા છે.