
વડોદરામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) દરમિયાન એક દુખદ ઘટના બની છે. લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવાને કારણે એક અરજદાર યુવકની તબિયત અચાનક લથડી ગઈ અને ખેંચ આવતાં તે ચક્કર ખાઈને જમીન પર પડી ગયો. આ ઘટનામાં યુવકના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ખાતે ચાલી રહેલી SIRની કામગીરી દરમિયાન એક યુવકને ખેંચ આવ્યા બાદ તે ઢળી પડ્યો હતો અને અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ થઈ ગયો હતો. જેને પગલે આસપાસના લોકોએ તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાવામાં આવ્યો હતો.
વડોદરા સહિત રાજ્યભરમાં હાલ SIRની કામગીરી ચાલી રહી છે, વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં પણ આ કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન એક યુવક 2 કલાકથી લાઈનમાં ઊભો રહીને પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યો હતો. લાંબા સમય સુધી ઊભા રહેવાના કારણે તેને અચાનક ખેંચ આવી અને તે ચક્કર ખાઈને જમીન પર ઢળી પડ્યો હતો અને માથાના ભાગે વાગવાથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયો હતો. જેથી આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જેના મારફતે યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ બનાવ સમયે હાજર કોંગ્રેસ અગ્રણી રોનક પરીખ ઉર્ફે ચમનભાઈએ વહીવટી તંત્રની કામગીરી પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ અગ્રણી રોનક પરીખે જણાવ્યું હતું કે, 4 નવેમ્બરથી SIRની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે. શિક્ષકોને હાર્ટએટેક આવે છે. શિક્ષકો થાકી જાય છે. લોકો હેરાન પરેશાન છે. લોકોને મતદાર યાદીની પ્રક્રિયા અંગે સમજ નથી. BLOને પણ સમજ પડતી નથી. કલેક્ટર કોઇ જવાબ આપતા નથી. સાઇટ પણ ચાલુ રહેતી નથી. આજે એક વ્યક્તિ લાઇનમાં ઉભો હતો. એ ડાયાબિટીસનો દર્દી હતો અને એને ખેંચ આવી હતી અને બ્લડ પ્રેશર વધી ગયું હતું અને ધડામ દઇને નીચે પડી ગયો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારી સરકારને અપીલ છે કે, જે સ્કૂલમાં કામગીરી થાય ત્યાં પાણીની અને બેઠકની વ્યવસ્થા કરવામાં આવે. અહીં લોકો બે-બે કલાકથી હેરાન-પરેશાન છે, પણ એક પણ ખુરશી અહીં મુકવામાં આવી નથી. કોઇ વ્યક્તિનું મોત ન થાય, તેનું ધ્યાન રાખવુ જોઇએ.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં BLO સહાયક તરીકેની કામગીરી કરતાં એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું હતુ. BLO સહાયક કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યાં હતાં. ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડાતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં. મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી (ઉં.વ. 50) હતું, જેઓ ગોરવા મહિલા આઇટીઆઇ (ITI)ખાતે નોકરી કરતાં હતાં અને આજે સવારે કડક બજારમાં આવેલી પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતાં. ઉષાબેન સહાયક કામગીરી કરતાં હતાં એ દરમિયાન અચાનક ઢળી પડ્યાં હતાં. ત્યારબાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. ગોધરાના પ્રાથમિક શિક્ષક વિનુભાઈ બામણીયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ કર્યો હતો, જેમાં તેમણે વહીવટી તંત્રના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. વિનુભાઈએ જણાવ્યું હતું કે, તેઓ SIRની કામગીરી માટે મોડી રાત સુધી જાગીને મહેનત કરે છે, તેમ છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા તેમને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને હેરાનગતિ કરવામાં આવે છે. કામગીરીના અસહ્ય ભારણ અને સતત દબાણથી માનસિક રીતે ભાંગી પડેલા વિનુભાઈએ અંતે આ વીડિયોમાં આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ આજે (21 નવેમ્બર) સવારે આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીનાં કામના દબાણના લીધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
પાદરામાં ચૂંટણી સંબંધિત SIR કામગીરી કરી રહેલા એક BLOની તબિયત લથડી હતી. ભોજ પી.આર. પટેલ હાઈસ્કૂલના શિક્ષક ઝુલ્ફીકાર પઠાણને મોડી સાંજે છાતીમાં દુખાવો અને બેચેની થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કપડવંજના જાંબુડી ગામમાં રહેતા અને નવાપુરા ગામની શાળામાં ફરજ બજાવતા આચાર્યનું હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીએલઓની કામગીરીને કારણે ખૂબ તણાવમાં અને દોડધામમાં હોવાનું તેમજ ઉજાગરા પણ કરતા હોવાને લઇને તેમને હૃદયરોગનો હુમલો આવવાથી તેમનું અવસાન થયું હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો.