
ઉત્તરાયણના તહેવારને હજુ થોડા દિવસોની વાર છે, પરંતુ તે પહેલા જ સુરતમાં પતંગની કાતિલ દોરીનો કહેર શરૂ થઈ ગયો છે. શહેરમાં વાહનચાલકોના ગળા કપાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં એક 45 વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી જતા રાહદારીઓ મદદે આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના અડાજણ ભક્તિધામ સોસાયટીમાં રહેતા પશુપતિસિંહ નામના 45 વર્ષીય વ્યક્તિ મજૂરાગેટ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે જ સમયે અચાનક પતંગની ઘાતક દોરી તેમના ગળા પર વાગી હતી, જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી. દોરી વાગતાં પશુપતિસિંહ લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી ગયા હતા. આ બનાવ બનતાં જ અન્ય વાહન ચાલકો અને રાહદારીઓનું ટોળું ઘટનાસ્થળે એકઠું થઈ ગયું હતું. એક રાહદારી યુવકે જણાવ્યું હતું કે, આ વ્યક્તિ મજુરા ગેટના બ્રિજ પર ગળું કપાયેલી હાલતમાં હતા અને ઘણા બધા લોકોનું ટોળું તેમની આજુબાજુમાં જોવા મળ્યું હતું. અમને એવું લાગ્યું કે તેમને ગંભીર ઈજા થઈ છે અને પતંગની દોરીના કારણે તેમનું ગળું કપાયું હતું કે અમે તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા છીએ.
પશુપતિસિંહને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના થોડા સમય પહેલા જ આવા કિસ્સાઓ સામે આવતા સ્થાનિકોમાં અને વાહનચાલકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા બ્રિજ પર અત્યારથી જ વાયડ લગાવીને લોકોના ગળા કપાતા અટકાવવામાં આવે તો નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય.