
કેન્દ્ર સરકાર સામે શૈક્ષિક સંઘે દિલ્હીમાં આંદોલનની જાહેરાત કરી છે. ટેટ પરીક્ષા અને જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકો દિલ્હીમાં ધરણા કરવાના છે. દિલ્હીમાં જંતર મંતર સામે ધરણા પ્રદર્શન કરીને શિક્ષકો સરકાર પાસે 2005 પછીના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માટેની માંગ કરવાના છે. જેના માટે તમામ રાજ્યમાંથી શિક્ષકો દિલ્હીમાં જંતર મંતર ખાતે ભેગા થઈને વિરોધ નોંધાવશે. તેમજ ગુજરાતમાંથી પણ બે હજાર જેટલા શિક્ષકો દિલ્હી જંતર મંતર ખાતે ધરણા કરવાના છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં રાજ્યભરમાં શિક્ષકોએ જિલ્લા કક્ષાએ અનેક વખત આવેદન આપ્યા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે તેવી સરકાર પાસે અનેક વખત માંગ કરવામાં આવી હતી. પરંતુ સરકારે માંગણીઓ ના સ્વીકારતા હવે સરકાર સામે બાયો ચડાવી દીધી છે. ગુજરાતમાં કાર્યક્રમ યોજ્યા બાદ હવે શિક્ષકો દિલ્હીમાં ધામા નાખશે. કેન્દ્ર સરકાર સુધી પોતાનો અવાજ અને રજૂઆત પહોચાડવા માટે મોટી સંખ્યામાં શિક્ષકો જંતર મંતર પર ધરણા પ્રદર્શન કરવાના છે. રાષ્ટ્ર વ્યાપી આંદોલનમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સહિત રાજ્યમાં તમામ શૈક્ષિક સંઘ પણ જોડાવાના છે. ટેટ પરીક્ષા પર સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. તેમાં 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી હતી જે સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. જેના કારણે 2010 પહેલાના તમામ શિક્ષકોને ટેટ પાસ કરવાની ફરજ પડશે. તેમજ તેમને પગાર ધોરણ પણ મળશે નહીં. જેને લઈને આવતીકાલે શિક્ષકો જંતર મંતર ધરણા પ્રદર્શન કરી વિરોધ દર્શાવશે.