
વડોદરાના તાંદલજા વિસ્તારમાં પત્ની સાથે રહેતા 32 વર્ષીય યુવકની હત્યા તેની પત્નીએ પ્રેમી સાથે મળી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઈર્શાદ વણઝારા નામના યુવકનું 18મી તારીખે શંકાસ્પદ મોત થયા બાદ સામાન્ય મૃત્યુ ગણી તેની દફનવિધિ કરી નાખવામાં આવી હતી. પરંતુ, મૃતકના પરિવારજનોને મોતને લઈ શંકા જતા પાંચ દિવસ બાદ ઈર્શાદનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં ઈર્શાદનું ગળું દબાવી હત્યા નિપજાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આ મામલે મૃતકની પત્ની, તેના પ્રેમી અને પ્રેમીના મિત્ર સામે ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરી છે.
DCP મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, યુવકના મૃતદેહના પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. પત્નીએ તેના પ્રેમી અને પ્રેમીના મિત્રની મદદથી પતિની હત્યા કરી હતી. હવે આ મામલે હત્યાનો ગુનો દાખલ થશે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર તાંદલજા ચોક પાસે રહેતા ઈર્શાદ અબ્દુલ કરીમ બંજારાનું 18 નવેમ્બરની રાત્રે મોત નિપજ્યું હતું. 5 સભ્યોના હસતા-રમતા પરિવારમાં એકાએક આ ઘટના ઘટતા પરિવારજનોને આઘાત લાગ્યો હતો. પરિવારજનોએ આ ઘટનાને આકસ્મિક મોત સમજીને 19 નવેમ્બરના રોજ ઇર્શાદની દફનવિધિ પણ કરી દીધી હતી. જોકે, આ ઘટના દરમિયાન પત્નીના ચહેરા પર કોઈ પ્રકારનો શોક ન જોવા મળતા પરિવારજનોના મનમાં શંકા ગઈ હતી અને પરિવારજનોએ પત્નીએ તેના પ્રેમી અને મિત્ર સાથે મળીને દીકરાની હત્યા કરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. પરિવારજનોએ આ અંગે જે.પી. પોલીસ સ્ટેશનમાં અરજી કરી, જેના આધારે પોલીસ તપાસ હાથ ધરી અને મૃતદેહને કબરમાંથી બહાર કાઢીને ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
દફનવિધિ બાદ મૃતકના પરિવારને શંકા જતાં તેને પત્ની ગુલબાનુના મોબાઇલ ફોનની તપાસ કરી હતી. આ તપાસમાં તેમને જાણવા મળ્યું કે પત્ની ગુલબાનુએ સતત કોઈ એક જ નંબર પર લાંબા સમય સુધી ફોન કર્યા હતા, જેના કારણે તેમની શંકા વધુ ગાઢ બની હતી. આ શંકાના આધારે, હત્યાની સઘન તપાસ કરવા માટે પોલીસ અને મેજિસ્ટ્રેટની હાજરીમાં 32 વર્ષીય યુવકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતકના ભાઈ ઈમ્તિયાઝ અબ્દુલ કરીમ બંજારાએ જણાવ્યું હતું કે, 18 નવેમ્બરના રોજ રાત્રે મારા નાના ભાઈને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેને પાણી પીધું હતું અને ચક્કર આવ્યા બાદ તે પડી ગયો હતો. ત્યારબાદ તેની પત્નીએ તેને બેડ ઉપર સુવડાવી દીધો હતો. ત્યારબાદ વહેલી સવારે ત્રણ વાગે તેની પત્નીએ કહ્યું હતું કે, તેના પતિનું મૃત્યુ થયું છે. ત્યારબાદ સગા સંબંધીઓને બોલાવવામાં આવ્યા હતા અને નોર્મલ મૃત્યુ સમજીને અમે તેની દફનવિધિ કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું કે, મારા ભાઈના મૃત્યુ બાદ તેની પત્નીના ચહેરા પર કોઈ પણ પ્રકારનો શોકનું ભાવ દેખાતો નહોતો. તેને કોઈ ફરક જ પડ્યો નહોતો. જેથી અમને શંકા ગઈ હતી. જેથી, અમે મારી ભાઈની પત્નીના મા-બાપને બોલાવ્યા હતા અને તેમની હાજરીમાં પૂછપરછ કરી હતી. જેમાં તેને પતિની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. મારું કહેવું છે કે મારા ભાઈની પત્ની અને બે લોકોએ મળીને મારા ભાઈની હત્યા કરી છે. અમને ન્યાય મળવો જોઈએ. મારા ભાઈને 3 સંતાન છે, એ હવે અનાથ થઈ ગયા છે.