યુદ્ધો અને ઉથલપાથલ વચ્ચે વૈશ્વિક અર્થતંત્રની ગતિ ધીમી જ્યારે ભારતીય અર્થતંત્ર તેજીથી આગળ વધી રહ્યું છે

Spread the love

 

દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધો અને ઉથલપાથલ વચ્ચે વૈશ્વિક અર્થતંત્રની ગતિ ધીમી રહી છે. જ્યારે ભારતીય અર્થતંત્ર તેજીથી આગળ વધી રહ્યું છે. રિયલ જીડીપી ગ્રોથ (GDP Growth)ને લઈને જો ભારતની સરખામણી અન્ય દેશો સાથે કરીએ તો જૂન ક્વાર્ટરમાં ચીનનો જીડીપી વૃદ્ધિ દર 5.2 ટકા, ઇન્ડોનેશિયાનો 5.2 ટકા, અમેરિકાનો 2.1 ટકા, જાપાનનો 1.2 ટકા, યુકેનો 1.2 ટકા, ફ્રાન્સનો 0.7 ટકા, મેક્સિકોનો 0 ટકા અને જર્મનીનો -0.2 ટકા રહ્યો હતો.
જ્યારે આ જ સમયગાળા માટે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, ભારતના આંકડા 7.5 ટકાથી પણ વધારે છે.
જાણીતા અર્થશાસ્ત્રીએ શેર કર્યો ગ્રાફઃ હાર્વર્ડના અર્થશાસ્ત્રી જેસન ફરમેન દ્વારા ભૂ-રાજકીય રીતે સંબંધિત અર્થતંત્રોના 2025ના ત્રીજા ક્વાર્ટરના જીડીપી પ્રદર્શન અંગે માહિતી આપવામાં આવી છે. ફરમેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મહત્વપૂર્ણ અર્થતંત્રોના જીડીપી પ્રદર્શનનો એક ગ્રાફ શેર કર્યો હતો. આ ગ્રાફમાં ભારત, રશિયા, ચીન અને અમેરિકા જેવા દેશોના કોરોના મહામારી પછીના જીડીપી પ્રદર્શનને દર્શાવવામાં આવ્યું છે.
દુનિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર બનવાની રાહ પર ભારત ભારતની વાત કરીએ તો, દેશ 7.3 ટ્રિલિયન ડોલરના અનુમાનિત જીડીપી સાથે 2030 સુધીમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટર માટે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, ભારતની અર્થવ્યવસ્થા અપેક્ષા કરતાં વધુ ઝડપી ગતિએ વાર્ષિક ધોરણે 7.8 ટકાના દરે વધી. આ વૃદ્ધિને વેગ આપવામાં દેશના મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન અને સર્વિસ સેક્ટરનું મહત્વનું યોગદાન રહ્યું. કેન્દ્રના જણાવ્યા મુજબ, ખાનગી રોકાણમાં તેજી, વધતો ઉપભોક્તા વિશ્વાસ, પગારમાં વધારો અને મજબૂત કૃષિ ઉત્પાદનથી વધતી ગ્રામીણ માંગ પણ આ વૃદ્ધિ માટેના મહત્વપૂર્ણ પરિબળો રહ્યા છે. તાજેતરમાં જ જાહેર થયેલા આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના લેટેસ્ટ આંકડા પણ ભારત માટે ઉત્સાહજનક દૃષ્ટિકોણ રજૂ કરે છે. IMFના આંકડા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે ભારતની સ્થિતિને મજબૂત કરે છે.
ભારતની રફતાર વધશે, ચીનની ઘટશે
IMFના નવીનતમ અનુમાનો અનુસાર, ભારતની અર્થવ્યવસ્થા 2026માં 6.6 ટકાના દરે વધવાનો અંદાજ છે, જેનાથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે ભારતનો વિકાસ દર મજબૂત બની રહેશે તેનાથી વિપરીત, આ જ સમયગાળા દરમિયાન ચીનનો વિકાસ દર ધીમો પડીને 4.8 ટકા રહેવાનો અંદાજ છે. અર્થશાસ્ત્રીઓનું પણ માનવું છે કે ભારતનું અર્થતંત્ર એવા સમયે વધી રહ્યું છે જ્યારે વૈશ્વિક વિકાસ ધીમો છે. IMFના રિપોર્ટ પર ટિપ્પણી કરતા ઇન્ફોમેરિક્સ રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી ડૉ. મનોરંજન શર્માએ જણાવ્યું હતું કે, “IMFના આંકડા જાહેર થઈ ચૂક્યા છે અને તે ખૂબ જ સકારાત્મક અને ઉત્સાહજનક છે.” તેમનું માનવું છે કે ભારતની આ સ્થિર વૃદ્ધિનો શ્રેય વધતી ધરેલું વપરાશ, મેન્યુફેક્ચરિંગ રિવાઇવલ અને સર્વિસ સેકટરમાં મજબૂત પ્રદર્શનને આપી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *