
અમદાવાદ સહિત શહેર ફરતે અને આજુબાજુના વિવિધ ઝોન વિસ્તારોમાં ચાલતી રહેતી પોલીસ કામગીરી અને વહિવટ પર સંદેશ ડિજીટલ પોલીસ પંચાતમાં ઘણા બધા એવા મુદ્દાઓ ઉપાડતી હોય છે કે જે પોલીસ માટે પણ ક્યારેક આંખો ઉઘાડનારા બની જાય છે. આજની પોલીસ પંચાતમાં આવી જ કેટલીક ખાસ વાતો જે તમને વાંચવી ગમશે.
શહેર પોલીસ કમિશનરે પ્રેસ અને પોલીસ વચ્ચે સંવાદિતતા કેળવવા બોલાવી બેઠક
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા તાજેતરમાં પત્રકારોનું પોલીસ સાથે એક કોમ્યુનિકેશન જળવાયેલુ રહે તે માટે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સોશ્યલ મીડિયાના માધ્યમનો સકારાત્મક ઉપયોગ, પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલી પોલીસ પરિવારો માટેની કામગીરીને ખાસ પ્રસ્તુત કરવામાં આવી હતી. અધિકારીઓના વર્તન, વલણ, પોલીસ મેન્યુએલ અને માનવીયતાના ધોરણે નાનામાં નાના પોલીસ કર્મીઓ સાથે કઈ રીતે વર્તન રાખવું તેના પર ચર્ચા કરવામાં આવી હતી. શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં મલ્ટીટાસ્કીંગ કામગીરીનું ખાસ વિવરણ ડીસીપી કંટ્રોલ રીમા મુનશીએ ઉપસ્થિત રહીને આપ્યું હતું. ટૂંકમાં પોલીસની પોઝીટીવ કામગીરીને પણ પત્રકારો ધ્યાનમાં લઈને જનતા સુધી પોહચાડે તે ધ્યેય પુરો કરવા તરફે કામગીરી આગળ વધશે.
અમદાવાદ શહેરમાં કટિંગની ગાડીઓ વેચનાર અને દારૂનો કિંગ ગણાતા બુટલેગરના ભાઈના ત્યાં લગ્ન હતા તે દરમિયાન મોટાભાગના મોટા અને જૂના વહિવટદારો તેમના પ્રસંગમાં વાહવાહ અને જી હજુરી કરવા પહોંચી ગયા હતા, આ બુટલેગર અત્યારે એક જિલ્લાના એસપીનો વહિવટ કરે છે તેવી વાત પણ સૂત્રો તરફથી સામે આવી છે. તો અમદાવાદની શાન ગણાતી એક એજન્સીના બે મુખ્ય વહિવટદારો આ બુટલેગરના જોડીદાર છે તેવું પણ પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે, હવે આ મદ્દો પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા તેમણે વીડિયો, ફોટો મંગાવવાની તજવીજ શરૂ કરી છે. આ મુદ્દે સેટના થયું તો કદાચ બે ચારની બદલી કે બે ચારના વહિવટોમાં ગૂંચ પડી જવાની પાક્કી છે.
ગુજરાત શહેર પોલીસમાં ફરજ બજાવતા અને વર્ષ 2001 બેંચના પીઆઈએ યુવતીની છેડતી કરી હોવાની વાત છે અને આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ પીઆઈ ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે અગાઉ પણ આ પીઆઈ સામે દુષ્કર્મનો ગુનો કચ્છમાં નોંધવામાં આવ્યો હતો, તો અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અને કિશ્ચન તરીકે ઓળખાતા એક અધિકારી પણ આવા જ હતા અને તેમની સામે પણ સરકારે પગલા ભર્યા હતા. ત્યારે આ પીઆઈ ચાવડાને બરતરફ કરાય તેવી માગ પોલીસની જ છે. પીઆઈ ચાવડા બે થી ત્રણ વખત છોકરીની બાબતમાં વિવાદમાં આવ્યા છે. પોલીસ બેડામાંજ વાત ચાલે છે કે આ પોલીસ વાળો છે કે કોઈ સડક છાપ દિલ ફેક આશિક? પોલીસ કમિશનરે સહેજ પણ રાહ જોયા વગર તેને ફરજ મોકુફી પર ઉતારીને કડક સંદેશ તો આપ્યો છે પણ હવે આ અધિકારી માટે કાયમી ઇલાજ કરવો જરૂરી છે. વાંદરો ઘરડો થશે પણ ગુલાટી ચાલુ જ રાખશે.
અમદાવાદ શહેરમાં પોસ્ટિંગ આવે અને સારૂ પોલીસ સ્ટેશન મળે તેને લઈ સૌ કોઈ ઉત્સુક હોય છે, ત્યારે શહેરમાં હાલમાં આનંદનગર પોલીસ સ્ટેશન, ટ્રાફિક આઈ ડિવિઝન પોલીસ સ્ટેશન અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન કે જે ચાર્જમાં ચાલી રહ્યું છે, તો ચાંદખેડા પોલીસ સ્ટેશન પણ ચાર્જમાં ચાલી રહ્યું છે. આનંદનગર પોલીસ સ્ટેશન માટે મહિલા પીઆઈઓ પણ પ્રયત્ન કરી રહ્યાં છે, તો આઈ ડિવિઝન પોલીસ સ્ટેશન કે જે ટ્રાફિક માટે ક્રીમ પોલીસ સ્ટેશન ગણવામાં આવે છે અને ચાંદખેડા પોલીસ સ્ટેશન કે જે ચાર્જમાં ચાલે છે, ત્યારે 3 પોલીસ સ્ટેશનમાં ટૂંક સમયમાં નવા PI મળશે તેવી ચર્ચાએ પોલીસબેડામાં જોર પકડયું છે. અમદાવાદ જિલ્લામાંથી બહારના જિલ્લામાં અથવા તો પોતાના વતનમાં ફરજ બજાવવા માટે ઘણી પોલીસે ઉચ્ચ કક્ષાની કચેરીએ ટ્રાન્સફર માટે અરજી કરી છે, પરંતુ સૂત્રો તરફથી એવી વાત સામે આવી છે કે, આ અરજીઓ લાંબા સમયથી અટવાઈ છે અને ટ્રાન્સફર આપવામાં આવી નથી. તો ઘણી પોલીસમાં આ બાબતે નારાજગી સામે આવી છે, અને તેમનું કહેવું છે કે, બે વર્ષ કરતા પણ વધારે સમય થયો પણ અમારી આ અરજીથી કંઈ થયું નથી અને અમારે જયાં ફરજ બજાવી છે ત્યાં ફરજ બજાવી શકતા નથી અને પરિવારથી દુર રહેવું પડે છે.