

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના પોલીસ પરના વિવાદિત નિવેદનને લઇને પાટણ-પાલનપુર સહિત ઉત્તર ગુજરાતનાં અનેક શહેરોમાં પોલીસ પરિવાર દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે. જીગ્નેશ મેવાણીએ થોડા દિવસ અગાઉ થરાદમાં દારૂના વેચાણને લઇને પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી. કોંગ્રેસે ગત 22 નવેમ્બરથી વાવ-થરાદ જિલ્લાના ઢીમા ગામથી જનઆક્રોશ રેલીની શરૂઆત કરી છે. આ દરમિયાન થરાદના શિવનગર ખાતે દારૂના દૂષણને લઇ જિજ્ઞેશ મેવાણી લોકો સાથે થરાદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને થરાદ એસ.પી. સહિતના પોલીસ સ્ટાફને પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે આ પટ્ટા તમારા છે, અમારા નહીં. એટલે તમારા પટ્ટા ઊતરી જશે. તમે કહો તો 24 કલાકમાં વર્તમાન અને ભૂતકાળના તમામ વહીવટદારોનાં નામ સાથેનું લિસ્ટ આપીશ. એ બાદ પોલીસ પરિવારમાં આક્રોશ ફેલાયો છે.
પાલનપુર અને પાટણ જિલ્લામાં પોલીસ પરિવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે વાવ-થરાદ જિલ્લામાં જનઆક્રોશ રેલી દરમિયાન પ્રજાની રજૂઆત કરતી વખતે ધારાસભ્ય મેવાણીએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જાહેરમાં અયોગ્ય વર્તન કર્યું હતું. તેમના દ્વારા એક જનપ્રતિનિધિને ન શોભે એવી ભાષાનો પ્રયોગ કર્યો છે. જિજ્ઞેશ મેવાણી અગાઉ પણ પોલીસકર્મીઓ સાથે ખરાબ ભાષાનો ઉપયોગ કરી ચૂક્યા છે. તેમણે જાહેરમાં ‘પટ્ટા-ટોપી ઉતારીને નોકરીમાંથી હકાલપટ્ટી કરાવી દેશે’ અને ‘પોલીસ અમારી નોકર છે’ જેવી ધમકીઓ આપી છે. પોલીસ પરિવારની માગ છે કે જિજ્ઞેશ મેવાણી જાહેરમાં માફી માગે અને તેમણે પોતાના જવાબદાર પદ પરથી તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. પાટણના બાબુભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, જીગ્નેશ મેવાણીની વાણી પોલીસની મોરલ તોડે એવી છે. આવા નિવેદન ચલાવી લેવાશે નહીં. જાહેરમાં કોઇ અધિકારીઓને ઉતારી પાડવાનો મેવાણીનો ટોન યોગ્ય નથી. જો ખોટુ થઇ રહ્યું હોય તો એને કાયદાની ભાષામાં પણ કહી શકાય.