
છત્તીસગઢના સૂરજપુરમાં એક પ્રાઈવેટ સ્કૂલમાં કેજી-ટૂના વિદ્યાર્થી (5 વર્ષ)ને હોમવર્ક ન કરવા બદલ શિક્ષકે કલાકો સુધી ઝાડ પર લટકાવી દીધો. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ વાલીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો. મોટી સંખ્યામાં વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો. જ્યારે સ્કૂલ-સંચાલક સુભાષ શિવહરેએ આ ઘટનાને સામાન્ય ગણાવી. તેમનું કહેવું છે કે બાળક ભણવામાં નબળું હતું અને તેને ડરાવવા માટે આવું કરવામાં આવ્યું હતું, જેથી તે ભણવા પર ધ્યાન આપે. વિવાદ વધતાં શિક્ષણ વિભાગ પણ દોડતો થયો. શિક્ષણ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની તપાસ કરી. તેમણે આ મામલાનો અહેવાલ ઉચ્ચ અધિકારીઓને મોકલવાની વાત કરી છે. આ તરફ મામલો ગરમાયા બાદ શિક્ષિકાએ રડતાં-રડતાં પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. ખરેખરમાં આ મામલો નારાયણપુરના હંસવાની વિદ્યા મંદિરનો છે. આ સ્કૂલમાં નર્સરીથી આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. માહિતી અનુસાર, સોમવારે જ્યારે સ્કૂલ ખૂલી ત્યારે બાળકો સમયસર સ્કૂલ પહોંચ્યાં હતાં. આ દરમિયાન નર્સરી ક્લાસમાં જ્યારે ભણવાનું શરૂ થયું ત્યારે શિક્ષિકા કાજલ સાહુએ હોમવર્ક તપાસ્યું. આ દરમિયાન એક વિદ્યાર્થીએ પોતાનું હોમવર્ક પૂરું કર્યું નહોતું. આના પર શિક્ષિકા કાજલ સાહુ બાળક પર ગુસ્સે થઈ ગઈ.
ટીચરે બાળકને સજા તરીકે ક્લાસમાંથી બહાર કાઢી મૂક્યો. ત્યાર બાદ સ્કૂલ પરિસરમાં એક ઝાડ પર દોરડા વડે બાળકને લટકાવી દીધું. બાળક દોરડાથી બાંધેલી હાલતમાં કલાકો સુધી લટકતું રહ્યું. આ દરમિયાન બાળક રડતું હતું અને પોતાને છોડી દેવા ટીચરને વિનંતી કરતો રહ્યું, પરંતુ ટીચરે બાળકની વાત બિલકુલ સાંભળી નહીં. જે સમયે બાળકને ઝાડ પર લટકાવવામાં આવ્યો હતો, એ જ સમયે કોઈ ગ્રામીણે ઘટનાનો વીડિયો બનાવી લીધો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ ગયો, જેના પછી વાલીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો. મોટી સંખ્યામાં વાલીઓ શાળાની બહાર એકઠા થઈ ગયા અને વિરોધપ્રદર્શન કર્યું. જ્યારે મામલો ગરમાયો ત્યારે શિક્ષિકા કાજલ સાહુનો પક્ષ જાણવા માટે તેમની સાથે વાતચીત કરવામાં આવી તો તેઓ રડી પડ્યાં. શિક્ષિકાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું- પહેલીવાર તેનાથી ભૂલ થઈ ગઈ છે.
બીજી તરફ, શાળાના સંચાલક સુભાષ શિવહરેએ જણાવ્યું કે ઘટના અંગે ડીઈઓ કાર્યાલયમાંથી ફોન આવ્યો, જેના પછી હું શાળાએ પહોંચ્યો. તેમણે જણાવ્યું કે શિક્ષિકાએ બાળકને ટી-શર્ટના સહારે ઝાડ પર લટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી બાળકમાં ડર પેદા થાય અને તે લેશન કરીને આવે. બીજી તરફ, બાળકના વાલી સંતોષ કુમાર સાહુએ આ શાળાના સંચાલન પર નારાજગી વ્યક્ત કરી છે. વીડિયો વાઇરલ થયા પછી શિક્ષણ વિભાગ દોડી આવ્યો. શિક્ષણ અધિકારી (BEO) ડી.એસ. લકરા ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ કરી. તેમણે જણાવ્યું કે તપાસ રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવશે. આ મામલે સૂરજપુર DEO અજય મિશ્રાએ જણાવ્યું કે મામલો ધ્યાનમાં આવ્યો છે. રામાનુજનગર BEO ડી.એસ. લકરાઅને BRCને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ મળ્યા પછી મામલામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.