PM મોદીએ રામ મંદિરના શિખર પર અમદાવાદમાં બનેલી ધજા ચડાવી

Spread the love

 

આજે પીએમ મોદીના હસ્તે પ્રથમવાર 191 ફૂટ ઊંચા મુખ્ય શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ ધજા અમદાવાદમાં બનાવવામાં આવી છે. 11 ફૂટ પહોળી અને 22 ફૂટ લાંબી ધજા બનાવવાનું કામ શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્કસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ધજા તૈયાર કરવા માટે અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટ તરફથી જ કેવા પ્રકારની ધજા બનાવવાની છે એની ડિઝાઇન આપવામાં આવી હતી. ત્યાર બાદ 10 કારીગરોએ 25 દિવસમાં તૈયાર કરી દીધી છે. આ ઐતિહાસિક ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSSના વડા મોહન ભાગવત અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત આમંત્રિત મહેમાનો હાજર રહ્યા. ધજાની બંને બાજુ રામ ભગવાનના પ્રતીક એવા કલ્પવૃક્ષ, સૂર્યનારાયણ ભગવાન અને ઓમ બનાવવામાં આવ્યા છે. આ તમામ પ્રતીકો અયોધ્યાના રામ મંદિર તરફથી આપવામાં આવેલી ડિઝાઇનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યાં છે. ધજા માટે થ્રી-લેયર મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જોકે ગર્વની એ પણ વાત છે કે ધજા બનાવનાર પરિવારને રામ મંદિરમાં યજમાન તરીકે પ્રતિષ્ઠામાં બેસાડવામાં આવ્યા છે.
શ્રી અંબિકા એન્જિનિયરિંગને માત્ર ધજા જ નહીં, પરંતુ અગાઉ અયોધ્યાના રામ મંદિર માટે અનેક વસ્તુઓ બનાવવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. અયોધ્યાના રામ મંદિર માટે ધ્વજ દંડ પણ અમદાવાદમાં જ તૈયાર કરવામાં આવ્યો છે, જેની સાઈઝ 42 ફૂટ અને 5100 કિલો વજન છે. એ પણ અમદાવાદમાં તૈયાર કરીને અયોધ્યા મોકલવામાં આવ્યો છે. એની સાથે સાથે રામ મંદિરમાં દાનપેટી, હૂંડી ભંડાર, ભગવાનના આભૂષણ મૂકવા માટે પિત્તળના કબાટ આ તમામ વસ્તુ તૈયાર કરી છે.
અયોધ્યાના રામ મંદિર માટે ધજા બનાવનાર શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્કસના માલિક કશ્યપ મેવાડાએ જણાવ્યું હતું કે આ ધજામાં રેશ્મી સાટીન અને ઉપર રામ ભગવાનનાં પ્રતીક રાખવામાં આવ્યાં છે, જેમાં કલ્પવૃક્ષ, સૂર્યનારાયણ ભગવાન અને ૐ ધ્વજની બંને સાઇડ તૈયાર કરવામાં આવ્યાં છે. ધજા બનાવવા માટે 8થી 10 કારીગરોએ 25 જેટલા દિવસ કામે લાગ્યા હતા. ધ્વજા માટેનો ઓર્ડર ટ્રસ્ટ તરફથી મળ્યો હતો. ધ્વજ દંડ પણ અને આજુબાજુના પરકોટા ધ્વજદંડ 6 નંગ પણ અમે બનાવીને મોકલ્યા છે. દાનપેટી, હૂંડી ભંડાર, ભગવાનના આભૂષણ મૂકવા માટે પિત્તળનો કબાટ, દરવાજાના હાર્ડવેર, મંદિરના કડા સહિતની તમામ વસ્તુઓ અમદાવાદમાં બનાવીને મોકલવામાં આવી છે.
કશ્યપ મેવાડા વધુમાં જણાવે છે કે છેલ્લા દોઢ બે વર્ષથી અયોધ્યાના રામ મંદિરમાં ઓર્ડર માટે કામ કરીએ છીએ. છેલ્લાં 80 વર્ષથી તમામ મોટા મંદિરમાં ધ્વજા બનાવીને મોકલીએ છીએ. શાસ્ત્રોના આધારે કારીગરોએ ધ્વજા તૈયાર કરી છે. અમદાવાદમાં બનેલી ધજા પીએમ મોદીના હસ્તે ચડાવવામાં આવશે, એ સૌ માટે ખૂબ ગર્વની વાત છે, સાથે સાથે અમારા માટે બીજી પણ ગર્વની વાત એ છે કે મારાં માતા-પિતાને યજમાન તરીકે હવનમાં બેસાડવામાં આવ્યા છે. આ ઐતિહાસિક કાર્યક્રમ માટેનું ‘અભિજિતનું સૂક્ષ્મ મુહૂર્ત’ ગુજરાતના 22 વર્ષીય યુવા જ્યોતિષી વિશ્વ વોરાએ નક્કી કર્યું છે, જે માત્ર 12 મિનિટનું છે અને ધ્વજારોહણ વિધિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. વિશ્વ વોરાએ આ મુહૂર્તની પસંદગી પાછળના મહત્ત્વ, ધ્વજારોહણની વિધિ અને ધજાની વિશેષતા વિશે વિગતવાર માહિતી આપી હતી. આ ધ્વજારોહણ 22 જાન્યુઆરી, 2024ના રોજ થયેલી રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા અને 5 જૂનના રોજ થયેલી રામ દરબારની પ્રતિષ્ઠા પછી મંદિરના નિર્માણની પૂર્ણાહુતિનું પ્રતીક બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *