
હથિયારબંધી જાહેરનામાનો કડક અમલ કરવાના ભાગરૂપે ચિલોડા પોલીસે હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન હિંમતનગર તરફ જતા નેશનલ હાઈવે શિહોલી ગામની સીમમાં આવેલી ક્રિષ્ણા હોટલની બહારના ક્રિષ્ણા એન્ડ પાન પાર્લરની આડમાં જાહેરમાં ગેરકાયદેસર હથિયારોના વેચાણનો પર્દાફાશ કરી એક ઇસમને 10 હજારથી વધુની કિંમતના રામપુરી ચાકુ અને લોખંડના પંચોના જથ્થા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર ચિલોડા પોલીસ મથકના પીઆઇ એસ.જે.ચૌહાણની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે,શિહોલી ગામની સીમમાં આવેલી ક્રિષ્ણા હોટલની બહારના ક્રિષ્ણા એન્ડ પાન પાર્લરની આડમાં જાહેરમાં ગેરકાયદેસર હથિયારોનું વેચાણ થઈ રહ્યું છે.
31 નંગ રામપુરી હાથાવાળા ચાકુ સહિતના હથિયાર જપ્ત
જે હકીકતના આધારે પોલીસે બાતમી વાળા પાર્લરમાં દરોડો પાડતા 31 નંગ રામપુરી હાથાવાળા ચાકુ, 20 નંગ પ્લાસ્ટિકના હાથાવાળી કટાર અને 44 નંગ લોખંડના હાથમાં પહેરવાના પંચ (નકલ ડસ્ટર)નું જાહેરમાં વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું જોવા મળ્યું હતું.
10 હજારથી વધુની કિંમતના હથિયારો સાથે શખ્સની ધરપકડ
જેના પગલે પોલીસે પાર્લરના કાઉન્ટર પર વેચાણ કરી રહેલા સાહિલમહમદ શૌકતખાન પરમાર (ઉં.વ. 35, મૂળ રહે. કુંભાસણ, પાલનપુર) ની પૂછપરછ હાથ ધરતા તેની પાસે હથિયાર વેચાણ સંબંધિત જાહેરનામાનો કોઈ પરવાનો ન હોવાનું માલૂમ પડ્યું હતું. આ અંગે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી સાહિલમહમદની 10 હજારથી વધુની કિંમતના હથિયારો સાથે ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે.